લિંબાયતમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના કેસમાં સંડોવાયેલાં આરોપી અનિલ યાદવને સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજા બાદ કોર્ટ દ્વારા જ ઇશ્યુ કરાયેલાં ડેથ વોરન્ટની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે અપરાધીએ જેલ સુપ્રીન્ટેન્ડન્ટને અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, મારાથી ભૂલ થઈ ગઈ મારે સુપ્રીમમાં અપીલ કરવી છે.
નરાધમ અપરાધીએ અનિલ યાદવ સાડા ત્રણ વર્ષની બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને જ્યાં માસુમ પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી લાશ કોથળામાં ભરીને તેને રૂમમાં જ રાખી હતી. જોકે, પોલીસ તપાસમાં અપરાધી અનિલ યાદવનું નામ સામે આવ્યુ હતુ. તેની સામે કેસ ચલાવવા સરકારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરી હતી. ટ્રાયલ બાદ આરોપીને 31મી જુલાઈ 2019ના રોજ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી અને બાદમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સામે ડેથ વોરન્ટ ઇશ્યુ કર્યો હતો જે મુજબ 29મી ફેબ્રુઆરીના રોજ સવારે સાડા ચાર કલાકે અમદાવાદની સાબરમતી જેલમાં તેને ફાંસી આપવાનો ઉલ્લેખ વોરન્ટમાં કર્યો હતો. હવે આરોપી અનિલ યાદવ દ્વારા લાજપોર જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નિનામાને લેખિતમાં અરજી કરી છે કે મારાથી ભૂલ થઈ ગઈ મારે સુપ્રીમમાં અરજી કરવી છે.
સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી હતી. બાદમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સામે ડેથ વોરન્ટ ઇશ્યુ કર્યો હતો જે મુજબ 29મી ફેબ્રુઆરીના રોજ સવારે સાડા ચાર કલાકે તેને ફાંસી આપવાનો ઉલ્લેખ વોરન્ટમાં કર્યો હતો.