ઉધના-ભૂસાવલ લાઇનને ડબલ કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઉધનાથી નવી ત્રણ ટ્રેન શરૂ થશે. જેમાં ઉધના-નંદુરબાર- ઉધના મેમુ ટ્રેન, ઉધના- પાલધી- ઉધના મેમુ ટ્રેન અને બાંદ્રા-ભૂસાવલ ખાનદેશ એક્સપ્રેસ (વાયા ભેસ્તાન)ટ્રેનનો સમાવેશ થાય છે.
આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ શરૂ થશે. શરૂ થનારી નવી ટ્રેનોનાં કારણે નવસારી, ભેસ્તાન, ઉધના અને લીંબાયતનાં રહીશોને ખાનદેશ તરફ યાત્રા કરવા માટે રાહત સાથે ફાયદો થવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીએ ધૂલિયાથી વિડીયો લીંક દ્વારા લીલી ઝંડી બતાવશે જ્યારે કેન્દ્રીય રેલમંત્રી પિયૂષ ગોયલ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે હાજર રહીને ટ્રેનનું પ્રસ્થાન કરાવશે.
વર્ષોથી સુરત-ભૂસાવલ રેલ લાઈનને બ્રોડગેજ કરવાની સાથે ડબલ ટ્રેક કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ડબલ લાઈન થતાં મહારાષ્ટ્ર જ નહી પરંતુ યુપી-બિહાર તરફથી આવતી અને જતી ટ્રેનોની સંખ્યા પણ આવનાર દિવસોમાં વધવાની શક્યતા છે અને હિન્દી બેલ્ટમાં જતા લોકોને પણ આનાથી મોટો ફાયદો મળવાનો છે.