સુરત : રાજ્યમાં બ્લ્યુ વહેલ અને બ્લ્યુ વહેલ ચેલેન્જ ગેમના કારણે આજની યુવા પેઢી મોતની ગર્તામાં ધકેલાઈ રહી છે…જે સરકાર માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. આ બનાવોને રોકવા હાલ જ રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા બંને ગેમ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તમામ શહેર -જિલ્લા કલેકટરને નોટિફિકેશન બહાર પાડી કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં સુરત જિલ્લા કલેકટર દ્વારા આજ રોજ જાહેરનામું બહાર પાડી યોગ્ય પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા છે.
સુરત જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે જે કોઈ પણ જિલ્લા અથવા શહેર વિસ્તારમાં બ્લ્યુ વહેલ ગેમ અથવા બ્લ્યુ ચેલેન્જ ગેમ રમવાની ગતિવિધિ જણાય નજીકના પોલીસ મથકમાં જાણ કરવા સૂચન કરવામા આવ્યું છે. આ સાથે પોલીસ તંત્રને પણ ચાલતી આ પ્રવૃત્તિ સામે સતત મોનીટરીંગ કરી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. બ્લ્યુ વહેલ ગેમ અને બ્લ્યુ વહેલ ચેલેન્જ નામની ગેમના કારણે બાળકોથી માંડી યુવાઓ મોતને ભેટી રહ્યા છે. આ ગેમના કારણે બાળકો અને યુવાઓ આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે. ત્યારે આ ઘટનાને રોકવા સરકાર પણ ગંભીર બની છે. જ્યા તમામ શહેરોના જિલ્લા કલેકટરને આદેશ આપી કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. જાહેરનામનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા 188 અથવા 135 કલમની અન્વયે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
