સુરત-હજીરા રોડ પર કવાસ પાટિયાથી મોરા ગામ વચ્ચે ભારત મંદિર નજીક સર્વિસ રોડ પર ક્રિભકો કંપનીના સિકયુરીટી સુપરવાઇઝર પર ચપ્પુ વડે હુમલો કરી મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૂઓ મોબાઇલ ફોન અને રોકડ મત્તા લુંટીને ભાગી ગયા હતા. હજીરા રોડની જાણીતી ક્રિભકો કંપનીમાં સૈનિક સિકયુરીટી એજન્સી વતી સુપરવાઇઝરની નોકરી કરતો મોહનકુમાર અકાલુ પ્રજાપતિ (ઉ.વ.26 રહે. સિકયુરીટી ફાર્મ હાઉસ, સાંઇ મંદિરની બાજુમાં, કવાસગામ) ગત રાત્રે ક્રિભકો કંપનીમાં જયાં-જયાં સિકયુરીટી પોઇન્ટ છે તે તમામ ચેક કરવા નીકળ્યો હતો.
દરમ્યાનમાં કંપનીના મેઇન ગેટ પરની સિકયુરીટી પોઇન્ટના ગાર્ડને ચેક કરી સાઇકલ પર સુરત-હજીરા રોડ પર કવાસ પાટિયાથી મોરા ગામ તરફ જતા સર્વિસ રોડ પર ભારત મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્પેલન્ડર મોટરસાઇકલ સવાર ત્રણ યુવાનોએ હાથ ઉંચો કરી અટકાવ્યો હતો.
હાથ ઉંચો કર્યો હોવાથી મદદની જરૂર હોવાથી માનવતના રાહે ઉભેલા સિકયુરીટી સુપરવાઇઝર મોહનકુમારે સાઇકલ ઉભી રાખતા વેંત ત્રણ પૈકી એક યુવાને ચપ્પુ વડે બાનમાં લઇ જે કંઇ હોય તે આપી દેવા કહ્યું હતું. પરંતુ મોહનકુમારે પોતાની પાસે કંઇ નથી એમ કહેતા ચપ્પુ વડે જાંઘના ભાગે ઇજા પહોંચાડી પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને પર્સ લુંટી લીધો હતો. ત્યાર બાદ પણ ચપ્પુ વડે બીજો ઘા કરવા જતા બચવાના પ્રયાસમાં મોહનકુમારને જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી.
ઘટના અંગે મોહનકુમારે તુરંત જ સિકયુરીટી કંટ્રોલ રૂમમાં જાણ કરતા તેને સારવાર માટે કંપનીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ઘટના અંગે ઇચ્છાપોર પોલીસ મથકમાં મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂા. 5500 ની લુંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.