સુરતના રીંગરોડ પાસે આવેલ મોટી બેગમવાડી વિસ્તારમાં આવેલ કાપડ માર્કેટમાં આગ લાગી હતી. શુભમ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે આવેલી કપડાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને કારણે ધુમાડો ફેલાઈ જતાં જુદા-જુદા ફાયર સ્ટેશનોમાંથી 10 ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આગ કાબુમાં આવતાં જ માર્કેટમાં માહોલ જોવા મળ્યો હતો.
મોતી બેગમવાડી વિસ્તારમાં હરિઓમ ટેક્સટાઈલ માર્કેટના ગેટ નંબર 4 પાસે શુભમ ટેક્સટાઈલ માર્કેટના ત્રીજા માળે આગ લાગી હતી. આગના કારણે કાપડના જથ્થાને લપેટમાં લેતાં ચારેબાજુ ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ મોટી હોવાનું માનીને મંદરવાજા, ડુંબલ, નવસારી બજાર, મજુરા, ઘાંચી શેરી અને કતારગામના ફાયર ટેન્ડરોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ કપડામાં મોટી માત્રામાં ફેલાઈ ગઈ હતી. જ્યારે આગ લાગી ત્યારે બજારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. જો કે આગ બહુ મોટી ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર બ્રિગેડે પણ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી.