ઉત્તર તરફથી આવતા ગરમ અને સૂકા પવનની અસરને કારણે શહેરમાં આકરી ગરમી પડી રહી છે. સુરત શહેરમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. 6 વર્ષમાં બીજી વખત ફેબ્રુઆરીમાં તાપમાન 38.4 ડિગ્રીએ પહોંચ્યું છે. અગાઉ 2018માં ફેબ્રુઆરીમાં 38.4 ડિગ્રી નોંધાયા બાદ આવતીકાલે 19 ફેબ્રુઆરી 2023ને રવિવારના રોજ ગરમી 38 ડિગ્રીથી ઉપર નોંધાઇ છે.
આગામી 1 થી 2 દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહેતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે આકરી ગરમી ચાલુ રહેશે. શહેરનું મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં 3 ડિગ્રી વધુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણીએ મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 68 ટકા અને સાંજે 28 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશામાંથી ચાર કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.
તાપમાનનો પારો ઉંચકાતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે
ગરમ અને સૂકા પવનની અસરને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, હવામાનમાં ફેરફાર અને સૂકા પવનને કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે 50 વર્ષમાં પહેલીવાર અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં તાપમાન 38.2 ડિગ્રીએ પહોંચ્યું છે.
તાપમાનમાં અસાધારણ વધારો, હજુ બે દિવસ ગરમી રહેશે
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં તાપમાન વધી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે છે. રાજધાની દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી વધારે છે. જ્યારે શિમલા સહિત હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઉપર રહ્યું હતું.