સુરત મહાનગરપાલિકાએ ચોક્કસ નિયમો સાથે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ આ કોન્ટ્રાક્ટરો પાલિકાએ બનાવેલા નિયમોનો ભંગ કરી લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. એક કરતા વધુ ડસ્ટબીન લટકાવીને કચરો વહન કરતા વાહનો સુરતના માર્ગો પર શહેરમાં ફરતા હોય છે. ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં જ આવા વાહનોથી લોકો અકસ્માતમાં સપડાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્વચ્છતામાં અગ્રેસર બનવા માટે સુરત મહાનગર પાલિકાએ લોકોના ઘરેથી કચરો એકઠો કરવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. વાહનની નિયમિતતા સાથે વાહન પર બેગ ન લટકાવવા ઉપરાંત પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપતા પહેલા અનેક શરતો મુકવામાં આવી છે. પરંતુ પાલિકા દ્વારા બનાવેલા નિયમોનો કોન્ટ્રાક્ટરો દ્વારા સરેઆમ ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.
શહેરની મોટાભાગની કચરાની ટ્રકોમાંથી પ્લાસ્ટિકના કચરાથી ભરેલી થેલીઓ લટકતી જોવા મળે છે. ઘણી વખત આ થેલીનો કચરો રસ્તા પર પડી જાય છે તો ક્યારેક કચરો ભરેલી આખી થેલી ટ્રાફિકમાં પડી જાય છે. જેના કારણે પસાર થતા વાહનોના અકસ્માતનો ભોગ બનવાનો ભય રહે છે. આ કચરાને કારણે અનેક વખત અકસ્માતો પણ સર્જાયા છે.
નગરપાલિકાએ નિયમો બનાવ્યા છે, પરંતુ ડોર ટુ ડોર કચરો ઉપાડતા વાહનો પર કોથળાઓ લટકાવવામાં આવી રહી છે. પ્લાસ્ટીકનો ભંગાર વેચીને કમાણી કરવા કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારનું કામ શહેરવાસીઓ માટે જોખમી બની રહ્યું છે. આવી કોઈ ફરિયાદ આવે તો નગરપાલિકા કોન્ટ્રાક્ટર પાસેથી દંડ વસૂલ કરે છે, પરંતુ આ કોથળાનું પ્રદૂષણ કાયમ માટે બંધ ન થવાના કારણે લોકોને વારંવાર અકસ્માતનો ભય રહે છે.