બારડોલી તાલુકાના નાંદીડા ચારરસ્તા પર એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક સરકારી અનાજ લઈને તાપી જિલ્લાના સોનગઢ જઈ રહી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
નંદીડા ચોકડી પાસેથી પસાર થતી ટ્રક (GJ-19-V-2166)માં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. ટ્રક ચાલક ધીરજ કુમાર સરકારી અનાજ લઈને સુરતથી સોનગઢ જઈ રહ્યો હતો જે બારડોલીના નાંદીડા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકની કેબીન નીચેથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ટ્રકમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ડ્રાઈવરે તરત જ ટ્રકને રોડની બાજુમાં લઈ જઈને રોકી હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
બારડોલી ફાયર ઓફિસર પી.બી. ગઢવીએ જણાવ્યું હતું કે બેટરીમાં સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમે પહોંચ્યા ત્યારે આગએ આખી બોગીને લપેટમાં લીધી હતી. અમારી ટીમે થોડી જ મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.