સુરતઃ અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો સામાન્ય બની ગયા હોય એમ છાસવારે આવા કિસ્સા પ્રકાશમાં આવે છે. આડા સંબંધોનો અંજામ કરુણ જ આવતો હોય એવી ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે સુરતમાં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક પરિણીત મહિલા સાથે યુવક લીવઇનમાં રહેતો હતો. જોકે, આ વાતની જાણ પરિણીતાના પતિને થતાં યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો. જોકે, પોલીસને જાણ થતાં યુવકને છોડાવી આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે સુરતના વરાછા ખાતે આવેલા હીરાબાગની ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતા અને ગીતાનગર ખાતે એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા હરેશ જીવરાજ ગાંગાણી કારખાનાની બાજુમાં ભાવેશભાઈનું કારખાનું આવેલું છે. ભાવેશભાઈના જે યુવતી સાથે લગ્ન થયેલા હતા તે યુવતીની હરેશ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
થોડા દિવસ પહેલા આ પરિણીતા પોતાના પતિને તરછોડીને પોતાના પ્રેમી હરેશ સાથે રહેવા માંગતી હતી. જેને લઈને પરિણીતાના પતિ ભાવેશ અને પરિણીતાના પ્રેમી હરેશ વચ્ચે ઉગ્ર ઝઘડો પણ થયો હતો. ત્યાર બાદ પરિણીતા તેના પતિને તરછોડીને પોતાના પ્રેમી હરેશ સાથે લીવ-ઇનમાં રહેવા લાગી હતી.
આ વાતને લઈને પરિણીતાનો પતિ ખૂબ જ આક્રોશમાં હતો. ગતરોજ પોતાના સાગરીતો સાથે તેણે હરેશનું અપહરણ કરી લીધું હતું. જે બાદમાં તેને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો. જે બાદમાં તેને મુક્ત કરવા માટે બે લાખ રૂપિયા માંગ્યા હતાં. આ અપહરણ અંગે હરેશની પ્રમિકાએ પોલીસને જાણકારી આપતા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી. હરેશને જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી.
પોલીસ આવાવની જાણકારી મળી જતા ભાવેશ અને તેના સાગરીતો ત્યાંથી ભાગી ગયા હતા. અંદાજિત 20 મિનિટમાં પોલીસે હરેશને અપહરણકારોના હાથમાંથી છોડાવી લીધો હતો. આ દરમિયાન ભાવેશનો મિત્ર વિક્રમ ઉર્ફ વીર દેવરાજ મકવાણા પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે આ મામલે હરેશની ફરિયાદ લઈને ભાવશે અને તેના સાગરિતો વિરુદ્ધ ગુનો દાખલ કરી અન્ય આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.