સુરતના સીંગણપોર ચાર રસ્તા ખાતે રહેતા 57 વર્ષીય હીરાના કારખાનેદારે ત્રણ માસ અગાઉ કામરેજની મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માંડયું હતું પરંતુ આ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા વિના જ લિવ ઇન રીલેશનશીપ કરાર કરતાં ઉશ્કેરાયેલા તેના પતિએ હીરા કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમને બદનામ કરતો એક વિડીયો ફેસબુક ઉપર વાયરલ કર્યો હતો.
કેન્સરની બિમારીથી પત્નીનું થયું હતું અવસાન
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામના વતની અને સુરતમાં સીંગણપોર ચાર રસ્તા પાસે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય વિનુભાઈ ઉર્ફે વી.બી ભુપતભાઈ મોરડીયાનું કતારગામ ગોતાલાવાડીમાં હીરાનું કારખાનું છે. એક વર્ષ પહેલા કેન્સરની બિમારીથી પત્ની હંસાબેનનું અવસાન થયું હતું. ત્યારબાદ પુનઃ લગ્નનો પ્રયાસ કરતા વિનુભાઇએ 15 જુલાઇએ કામરેજના ખોલવડના 40 વર્ષીય આશાબેન વલ્લભભાઇ ઝાઝડીયા સાથે લીવઇન રીલેશનશીપ કરાર કર્યો અને રહેવા માંડયા હતા.
વિનુભાઈ પત્નીને ભગાડી ગયા
જોકે રત્નકલાકાર એવા આશાબેનના પતિ પ્રકાશભાઇ મનજીભાઇ મોણપરા (રહે. બી/205, સુમન દર્શન આવાસ, શારદા સ્કૂલની સામે, કોઝવે રોડ, સુરત) એ આક્ષેપ કર્યો હતો કે આશાબેનના સાથે તેમના છૂટાછેડા થયા નથી અને વિનુભાઈ તેમની પત્નીને ભગાવી ગયા છે. આ અંગે તેમણે પોલીસમાં અરજી પણ કરી હતી.
આશા મારી પત્ની છે, તું ભગાડી ગયો છે આશાને છોડી દેજે નહીતર જીવતો રહેશે નહિ
8 ઓગસ્ટે સાંજે વિનુભાઈ અને આશાબેન મુંબઈ જવા નીકળતા હતા ત્યારે સોસાયટીના નાકે પહોંચેલા પ્રકાશભાઇએ ગાળાગાળી કરી હતી. અને મારી પત્નીને ભગાડી ગયા છો.. તેવું કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. સોસાયટીના રહીશો એકત્ર થઇ જતા પ્રકાશભાઇ ત્યાંથી ભાગી ગયા હતા. સપ્તાહ બાદ પ્રકાશભાઇ ફરી વિનુભાઈના ઘર પાસે આવ્યા હતા અને આશા મારી પત્ની છે, તું ભગાડી ગયો છે તેમ કહી ગાળાગાળી કરી આશાને છોડી દેજે નહીંતર જીવતો રહેશે નહિ તેવી ધમકી આપી હતી.
ફેસબુક પર વાયરલ થયેલ વીડિયો જોયો
ફરી સ્થાનિકો એકત્ર થતાં પ્રકાશભાઈ ત્યાંથી ભાગી છૂટયા હતા. ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ વિનુભાઈએ ફેસબુક ઉપર વાયરલ થયેલો એક વિડીયો જોયો હતો. જેમાં પ્રકાશભાઈ બોલતા હતા કે ઉગામેડીના ઉદ્યોગપતિ વી.બી મારી પત્નીને ભગાડી ગયા છે. વિડીયોમાં પ્રકાશભાઈએ વિનુભાઈ અને તેમના પરિવારની પ્રતિાને હાનિ પહોંચે તેવી વાતો કરી હતી. તેથી પ્રકાશભાઇ વિરુધ્ધ ચોકબજાર પોલીસમાં અરજી કરાઇ હતી તેના આધારે કાલે રાતે ગુનો દાખલ કરાયો છે.