હવે અમદાવાદની જેમ સુરતમાં પણ મેટ્રો ટ્રેનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ ઓગસ્ટ 2012 માં મેટ્રો પ્રોજેક્ટ માટે ચાર રેલ માર્ગોનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાત સરકારે જાન્યુઆરી 2017માં બે કોરિડોર મંજૂર કર્યા હતા. સરથાણા-વરાછાથી ડ્રીમ સિટીનો 22 કિ.મી અને ભેસાણથી સારોલી સુધીનો 18 કિ.મી સુધીના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા.
આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 12,800 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજે મળેલી મીટીંગમાં સુરત મેટ્રો પ્રોજેક્ટનો 12,114 કરોડનો ડીપીઆર(ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) મંજુર કરવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારાસને જણાવ્યું હતું. પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની મીટીંગમાં ડીપીઆરને બહાલી આપવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 40.35 કિ.મીના બે કોરિડોર બનાવવામાં આવશે.
વિગતો મુજબ પ્રથમ તબક્કાના કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટીના કોરિડોરમાં 21 સ્ટેશનો હશે અને ભેંસાણ ડેપોથી સરોલી કોરિડોરમાં 16 સ્ટેશન હશે. 40-કિલોમીટર (25 માઇલ) કોરિડોરમાંથી, 33-કિલોમીટર (21 માઇલ) એલિવેટેડ થશે જ્યારે 7-કિલોમીટર (4.3 માઇલ) અંડરગ્રાઉન્ડ હશે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી.
વિગતો મુજબ કુલ રૂપિયા 21,600 કરોડની મેટ્રો રેલ પ્રોજેક્ટ 2019 ના પ્રથમ અર્ધવાર્ષિકમાં એટલે કે એપ્રિલ મહિનામાં લોન્ચ થવાની ધારણા છે અને ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં ચાર એલિવેટેડ સ્ટેશનો જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) આધારે બનાવવામાં આવશે.