દક્ષિણ ગુજરાતની વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના વોર્ડમાં બે દિવસથી પાણી આવતું નથી. જોકે ગર્ભવતી મહિલા સહિતના દર્દીઓ માટે દર્દીના સંબંધીઓ પૈસા ખર્ચીને બહારથી પીવાનું પાણી લાવી રહ્યા હોવાથી દર્દી અને તેમના સંબંધીઓ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ઘણા વોર્ડમાં પાણી આવતું નહીં હોવાની ફરિયાદ ઉઠી હતી. જોકે આજે સવારે સિવિલના જી -3 વોર્ડમાં દાખલ દર્દીના સંબંધીઓએ ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં સી એમ ઓને ફરિયાદ કરી હતી કે વોર્ડમાં ગઈકાલથી પાણી આવતું નથી.
નોંધનીય છે કે ઉધના વિસ્તારમાં સંજયનગરમાં રહેતા 28 વર્ષીય ગર્ભવતી ગાયત્રીબેન સુજીતભાઈ વર્માને ગઈકાલે રાત્રે પ્રસૂતિની પીડા ઉપાડતા સારવાર માટે પરિવારજનોએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે તેમના વોર્ડમાં ધોવાનું કે પીવાનું પાણી આવતું નથી.
જોકે ગર્ભવતી ગાયત્રીબેનની તરસ છીપાવવા માટે તેમના પતિ આજે સવારે બહારથી પૈસા ખર્ચ કરીને પાણીની બોટલ લઈને આવ્યા હતા અને તેમના પરિવાર માટે પણ બહારથી પાણી લાવી રહ્યા છે. આ સાથે અન્ય વોર્ડમાં પણ દર્દી અને તેમના સંબંધીઓ પીવાના પાણી કે અન્ય વપરાશ માટેના પાણી બહારથી લાવીને ડ્રમ કે અન્ય વાસણોમાં પાણી ભરી રાખતા હોવાનું જાણવા મળે છે.
આવી પરિસ્થિતિને લીધે કેટલાક દર્દીઓ અને તેમના સંબંધીઓ પાણીને લીધે મુશ્કેલી વેઠી રહયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ ઉનાળામાં કાળઝાળ ગરમીમાં નવી સિવિલના દર્દી અને તેમના સંબંધીઓને પાણીની તકલીફ પડી હોવાની ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં પણ અગાઉ પણ ઘણા વોર્ડમાં નિયમિત પાણી આવતું ન હોવાનું પણ જાણવા મળે છે.