સામાન્ય સંજોગોમાં એવું બને છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ અરજી આપે એટલે પોલીસ તેને ધક્કા ખવડાવ્યા જ કરે. પરિણામે અરજદાર થાકી જાય. કામ ધંધો છોડી પોલીસ મથકનાં ચક્કર કાપવાની વાતને ધ્યાને લઈ કેટલાક લોકો તો અરજી કરવાનું જ ટાળે છે. આ વાત પોલીસ કમિશનરના ધ્યાન પર આવી હતી. જેથી તેમણે લોકોના હિતમાં એક આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ હવેથી પોલીસ અજદારના ઘરે જઈ નિવેદન નોંધશે.
પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે એક વખત પોલીસ સ્ટેશનમાં અરજી પહોંચી જાય પછી અરજદારે ધક્કો નહીં ખાવો પડે. પોલીસ સ્ટેશનમાંથી ફોન કરી અરજદારનો સંપર્ક કરવામાં આવશે. જો અરજદારને અનુકૂળ હોય અને તે પોલીસ સ્ટેશન પર આવીને જવાબ આપવા ઇચ્છતા હશે તો જવાબ લખાવવા પોલીસ સ્ટેશન પર આવી શકશે પણ જો તેમને અનુકૂળ ન હોય તો પોલીસ તેમના ઘરે જઈ નિવેદન નોંધશે. કોઈ કિસ્સામાં કોઈ અજદારને પોતાના ઘરે પોલીસને ધક્કો નથી ખવડાવવો તો તે અરજદાર એફિડેવિટનારૂપમાં પોતાનો જવાબ પોલીસ સ્ટેશન પર પહોંચાડી શકે છે.
અરજીમાં સામાવાળી વ્યક્તિ જે હોય તેને પણ એક જ ધક્કામાં નિવેદન લઈ રવાના કરી દેવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. કોઈ કિસ્સામાં સામેવાળી વ્યક્તિ તરીકે જો મહિલા હોય તો મહિલાને જવાબ લેવા પોલીસ મથકે બોલાવી શકાશે નહીં. તેનું નિવેદન લેવા પોલીસે તેના ઘરે જ જવું પડશે.