સુરત GIDCમાં વોચમેનની હત્યાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને એક આરોપીને ઝડપી લીધો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા થયા છે. તેણે અત્યાર સુધીમાં 100થી વધારે ચોરી, લૂંટ અને ઘાડના ગુનાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. એટલું જ નહીં 7 હત્યાની પણ કબુલાત કરી છે. આ રિઢો ગુનેગાર ગુનાને અંજામ આપતા પહેલા માતાજી પાસે માફી માગીને 108 વખત ચામુંડા માતાજીના મંત્રનો જાપ કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર GIDCમાં એક કંપનીના ચોકીદારની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન હરિયાણાના જગતાર ઉર્ફે સરદાર માનસિંગ ગડદિયાને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. મૂળ હરિયાણાનો જગતાર સુરતનાં પીપોદરા વિસ્તારમાં નોકરીની શોધમાં આવ્યો હતો.
દરમિયાન GIDCમાં નવી ફેકટરીમાં મશીનો નાખવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગત 9મી નવેમ્બરની રાત્રે બે મિત્રો પ્રેમનાથ ઉર્ફ રામભરત ઉપાધ્યાય અને ગણેશગીરી ભારદ્વાજ સાથે મળી કંપનીનાં વોચમેનની હત્યા કરી કંપનીમાં લુંટ ચલાવી હતી. આરોપીની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. આરોપીએ અત્યાર સુધીમાં 100થી વધુ ચોરી, લુંટ, ધાડ અને 7 જેટલી હત્યાના ગુના આચર્યા હોવાનું ખૂલ્યું છે. બે દાયકા પહેલા આવેલી ‘સંઘર્ષ’ ફિલ્મના વિલનની જેમ જ જગતાર ગુનો આચરતા પહેલા ચામુંડા માતાજીના મંત્રનો જાપ કરતો હતો.
આ દરમિયાન પીડિત એને રોકડ કે એને માંગેલી વસ્તુ આપી દે તો તેને જવા દેતો હતો, પરંતુ જો માંગેલી વસ્તુ ના આપે તો હત્યા કરી લુંટ ચલાવી ફરાર થઈ જતો હતો. કુખ્યાત ગુનેગાર જગતાર ઉર્ફે સરદાર નોકરીના શોધમાં દેશના વિવિધ શહેરોમાં જતો હતો. જયાં લોકો સાથે પહેલા મિત્રતા કેળવતો હતો. ત્યાર બાદ ઠંડા કલેજે ગુનાને અંજામ આપીને પલાયન થઈ જતો હતો. તેની પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.