સુરતઃ અત્યારનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. અને યુવાનોને નશિલા દ્રવ્યો પુરા પાડવાનું કામ કેટલાક અસામાજિક તત્વો કરી રહ્યા છે. પરંતુ પોલીસ આવા તત્વો ઉપર બાજનજર રાખીને તેમને પકડી પાડતી હોય છે ત્યારે સુરતમાં એક યુવતી ઝડપાઈ છે જેની પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું છે. આશરે 19.94 લાખનું એમડી ડ્રગ્સ સાથે યુવતીની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં નશાનો કાળો કારોબાર ફરી સક્રિય થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાતી હોવા છતાં પણ નશાનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. શહેર એસઓજીએ સુરત રેલ્વે સ્ટેશન પાસેથી એક યુવતીને 197. 94 ગ્રામ એટલે કે, 19.94 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સગરામપુરાની યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરત શહેર એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને બાતમી મળી હતી કે, સુરત સ્ટેશન સ્થિત બિસ્મિલ્લા હોટેલ પાસે એક મહિલા પાસે મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો છે. કોન્સ્ટેબલે તુરંત એક્શનમાં આવી શંકાસ્પદ મહિલા યાસ્મીન બાનું ઉર્ફે મન્ના કાદરમીયાં શેખ (રહે. રાજ ગેસ્ટ હાઉસ પાસે ફૂટપાથ ઉપર. સગરામપુરા તલાવડી પાસે)ને ઝડપી પાડી મેફેડ્રોન ડ્રગ્સ 197. 94 ગ્રામ કિંમત રૂપિયા19.94 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસે યાસ્મીન બાનુની કડક રીતે પૂછતાછ કરતા તેણે કબુલ્યું કે, તેને આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોહમ્મદ સાજીદ સલીમ કુરેશી (રહે. કોશિયા બેકરી પાસે બડેખા ચકલા)ને પહોંચાડવાનો હતો અને આ જથ્થો મુંબઈના સોનુ નામના આરોપીએ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે સાજીદ અને સોનુને વોન્ટેડ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ આજ રીતે ડ્રગ્સનો કારોબાર ઝડપાયો હતો, અને તેના તાર પણ મુંબઈ ખાતે જોડાયા છે, ત્યારે વધુ એક રેકટ પકડાતા અનેક નામ ખુલે તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે.