સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સમિતિની કચેરીના વહીવટ સામે શાસક-વિપક્ષ બંને પક્ષના સભ્યોએ બળાપો ઠાલવ્યો હતો. જેમાં સમિતિના ક્લાર્કે સ્કુલ બેગનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં રિપોર્ટ દબાવી રાખતા 27 લાખનો ઓર્ડર આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય સુરેશ સુહાગીયાએ સમિતિના કર્મચારી દ્વારા માહિતી આપી ન હોવાથી જવાબ આપે છે તે યોગ્ય નથી.
વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ખરીદી પહેલા ટેસ્ટિંગ રિપોર્ટ લેવાનો હોય છે. ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ હોવા છતાં ક્લાર્ક દ્વારા રિપોર્ટ દબાવી રાખવામા આવ્યો હોવાના કારણે 27 લાખ રૂપિયાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આક્ષેપ ગંભીર છે આવી કામગીરી કરનારા સામે પગલા લેવા જોઈએ. શાસક પક્ષના સભ્ય ચીમન પટેલે કહ્યુ કે વિપક્ષ સભ્યએ કરેલી ફરિયાદ ગંભીર છે અને સાચી છે. સમિતિના ક્લાર્ક દ્વારા સભ્યોને માહિતી આપવામાં આપતી નથી.
ક્લાર્ક આવા જવાબ આપતા હોય તો સીધી જવાબદારી શાસનાધિકારીની છે તેઓએ જવાબ આપવો જોઈએ. સમિતિના ક્લાર્ક માહિતી ન આપે કે છુપાવે તેમની સામે આકરા પગલા ભરવા જોઈએ. વિપક્ષી સભ્યએ શિક્ષણના ભોગે કાર્યક્રમ ન કરવા જોઈએ તેવી વાત કહી હતી. જેને શાસક પક્ષના સભ્યોએ પણ સમર્થન આપ્યુ છે.
સમિતિ અધ્યક્ષ હસમુખ પટેલે કર્મચારી દ્વારા થતા ગેરવર્તનને ગંભીરપણે લઈને બોર્ડમાં જ કર્મચારી આવુ વર્તન કરે તો તેની સામે પગલા ભરવા જોઈએ તેવી વાત કરી હતી. તેઓએ સ્પષ્ટ કહ્યુ હતુ કે શિક્ષણ સમિતિના સભ્યો સાથે ગેરવર્તન કે માહિતી ન આપવાની વાતનું પુનરાવર્તન ન થવુ જોઈએ.