સુરતના પાંડેસરા GIDCમાં આવેલી અન્નપૂર્ણા ઇન્ડસ્ટ્રીઝમાં જવાનોને શ્રદ્ધાંજલિ અને જવાનોનો જોશ વધારવા માટે સાડી બનાવવામાં આવી છે. સામાન્ય રીતે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા ખાસ કરીને ભાજપ-કોંગ્રેસના નેતાઓના ફોટોવાળી સાડી બનાવવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ પહેલી વખત બન્યું કે સુરતના કાપડ માર્કેટના વેપારીઓએ જવાનોની શહીદીને પોંખી છે અને દેશભક્તિનો પરિચય આપ્યો છે.
વડાપ્રધાન મોદી , પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટોવાળી સાડી બાદ હવે સર્જિકલ સ્ટ્રાઇકને ઉજાગર કરતી અને પ્રિન્ટ ધરાવતી સાડીઓ કરી તૈયાર કરવામાં આવી છે. વિશેષ રૂપે ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ બનાવવામાં આવી છે. સાડીઓ પર સર્જિકલ સ્ટ્રાઈકના પોસ્ટર પ્રિન્ટ કરવામાં આવ્યા છે.
સાડીઓ પર બંદૂક લઈને ચાલતા સૈનિકો, હેલિકોપ્ટરથી થતા હુમલા અને પહાડો તેમજ નદીઓને દર્શાવવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈકની એક્શન સાથે જવાનોમાં જોમ અને જુસ્સો ભરવા માટે કાપડના વેપારીઓ દ્વારા સાડી પર પ્રિન્ટીંક કરવામાં આવ્યું છે.