કતારગામ વિસ્તારમાં 20 કરોડ રૂપિયા ના હીરાની દિલધડક લૂંટની ઘટના ને ગત સમી સાંજે અંજામ આપવામાં આવ્યો છે. કતારગામ સેફ ડિપોઝીટ વોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ માં ગ્લો સ્ટાર હીરા કમ્પનીના કર્મચારી આશરે 15 થી 20 કરોડના હીરા મુકવા જઈ રહયા હતા, તે દરમ્યાન આ લૂંટની ઘટના ને બાઇક પર આવેલા 6લૂંટારાઓએ અંજામ આપ્યો હતો. જ્યાં ઘટના ને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. લઘટના ની જાણ થતાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પોહચી ગયો અને તપાસ હાથ ધરી હતી. સાથે જ શહેરભરમાં નાકાબંદી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું છે. લૂંટારુઓએ લૂંટની ઘટના દરમ્યાન બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જ્યારે લૂંટ કરતી નાસી રહેલા ત્રણ જેટલા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં આબાદ રીતે ઝડપાઇ ગયા હતા.
હીરા નગરી ગણાતા સુરતમાં ફરી એક વખત કરોડો રૂપિયાની કિંમતના હીરાની દિલધડક લૂંટ ચલાવવામાં આવી છે. આ વખતે ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે, જ્યાં રોજિંદા સાંજના સમયે હંમેશાની જેમ ગ્લો સ્ટાર ડાયમન્ડ કમ્પની ના કર્મચારી પ્રકાશ અને વિજય કમ્પનીના કરોડોના હીરા ને સુરક્ષિત મુકવા કતારગામ વિસ્તારમાં આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટ પ્રાઇવેટ લીમિટેડમાં મુકવા પોતાની ફોર વહીલર ગાડીમાં આવ્યા હતા. જેની સાથે ડ્રાઈવર કરણ મિયાની પણ હાજર હતો. કર્મચારીઓના કહેવા મુજબ અચાનક પાંચ થી છ લોકો તેમની સામે આવી ગયા અને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા. રબાદ લૂંટારુ ટોળકીના એક ઇસમે કર્મચારીના માથે ઇલેક્ટ્રિક સ્ટીક વડે હુમલો કરી દીધો. માથાના જમણી બાજુ ઘા કરતા તે અશક્ત બની ગયો હતો અને વધુ પ્રતીકાર કરી ન શકયો જેથી હીરા ની બેગ લઇ લૂંટારુઓ નાસી ગયા હતા. જો કે લૂંટ ચલાવી ફરાર થઈ રહેલા લૂંટારુઓ બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની હકીકત સામે આવી છે. જે ઘટના સ્થળ પર રહેલ ફોર વ્હીલ કાર પરથી ફાયરિંગના નિશાન પણ મળી આવ્યા છે.. દિલધડક લૂંટની ઘટના બાદ કર્મચારીઓએ ડાયમંડ કમ્પની અને પોલીસ ને આ બાબતની જાણ કરી હતી.જે બાદ જોઈન્ટ પોલીસ કમિશનર,ડીસીબી,પિસીબી ,કતારગામ પોલીસ સહિતની સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
કતારગામ પોલીસ ને જ્યારે મોટી માત્રામાં હીરાની લૂંટની જાણકારી મળી તો પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. ડાયમંડ કમ્પની ના બન્ને કર્મચારી સહિત ડ્રાઈવરની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે શહેરની બહાર જવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે નજીકના તમામ સીસીટીવી કેમેરા ની પણ તપાસ હાથ ધરી હતી. જે સીસીટીવી કેમેરામાં લૂંટ કરી રોડ પર નાસ્તા ત્રણ લૂંટારુઓ પણ જોવા મળી રહ્યા છે. જેને આધારે પોલીસ તેમનું લોકેશન શોધી રહી છે. જો કે સનીસની લૂંટની આ ઘટનામાં કોઈ જાણભેડું હોવાની શંકા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે. લૂંટની ઘટના જે વિસ્તારમાં બની ,તે વિસ્તાર લોકોથી ઉભરાતો વિસ્તાર છે. છતાં પણ લૂંટની ઘટના બની અને લોકોનું ધ્યાન સુધા ન પડ્યું તે બાબત પણ વિચારવા જેવી છે. હાલ તો પોલીસે જુદી જુદી ટિમો બનાવી આરોપીઓનું પગેરું શોધવા કવાયત શરૂ કરી છે. ત્યારે પોલીસ કરોડોના હીરા લૂંટનો ભેદ હવે કેટલા સમયમાં ઉકેલે છે તે જોવું રહ્યું.