અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી..
કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કોળી સમાજની કાર્યકારી સમિતિની આજની બેઠકમાં કોળી સમાજને બદનામ કરવા બદલ બાવળિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 એપ્રિલના રોજ અમદાવાદના ભારતી આશ્રમમાં 17 આગેવાનોની હાજરીમાં કોળી સમાજની સમાધાન બેઠક મળી હતી. જેમાં 3 મુદ્દાની ફોર્મ્યુલા પર સહમતિ બની હતી. જો કે આ ફોર્મ્યુલાને ન વળગવાને કારણે કુંવરજી બાવળિયા બળવાખોર બન્યા છે.
કુંવરજી બાવળિયા પ્રમુખ પદ માટે દાવેદાર હતા ત્યારે વિવાદ સર્જાયો હતો. જેના કારણે કુંવરજી બાવળિયા અને અજીત કોન્ટ્રાક્ટરના જૂથો સામસામે આવી ગયા હતા. અખિલ ભારતીય કોળી સમાજની કાર્યકારી સમિતિની આજે બેઠક મળી હતી. જેમાં કુંવરજી બાવળિયા પર સમાજ વિરૂદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કોળી સમાજને બદનામ કરવા બદલ કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોણ છે કુંવરજી બાવળિયા? કુંવરજી બાવળિયાની ગુજરાતના કોળી સમાજ પર વિશેષ પકડ છે. બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા ઉપરાંત ચાર વખત ધારાસભ્ય અને પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. 2018માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ છોડતી વખતે કુંવરજી બાવળિયાએ તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની જાતિવાદી રાજનીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તેમણે વડાપ્રધાન મોદીની વિકાસ નીતિથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.