જીઈબી ખાતાની આંખ આડા કાનની નીતિ અને દુકાન માલિકની બેદરકારીના કારણે સુરતના ડીંડોલી વિસ્તારમાં ત્રણ લોકોના વિજકરન્ટ લાગવાના કારણે કરુંણ મોત નિપજ્યા છે.કોમ્પ્લેક્સ નીચે આવેલ દુકાનમાંથી બહાર લગાવવામાં આવેલ પાઉભાજીની લારી પર ગેરકાયદેસર રીતે પાવર સપ્લાય આપવામાં આવ્યો હતો. જે દરમ્યાન મોડી રાત્રે લારી બંધ કરતી વેળાએ સાફસફાઈ દરમ્યાન ત્રણ કારીગરોને જોરદાર કરંટ લાગતા તેઓ મોતને ભેટયા હતા. જેમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટના ના પગલે ડીંડોલી પોલીસ સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ અને 108 સેવાના કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના અંગે પ્રાથમિક ધોરણે અકસ્માતનો ગુનો નોંધી જવાબદારો સામે પગલા ભરવા તપાસ શરૂ કરી હતી. જ્યારે ત્રણેની લાશને પીએમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના બાદ લોકોના ટોળેટોળા સ્થળ પર ઘસી ગયા હતા.