આજથી ચારેક વર્ષ પહેલા સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે એકાદ વર્ષથી બળજબરીથી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુવા ગુલામ યુસુફ ગોરૂમિયા ગુલામ રસુલ શેખની સલાબતપુરા પોલીસે પોક્સો એક્ટ તથા સગીરા પર બળાત્કાર ગુજરી ધમકી આપવાના ગુનામાં જેલ ભેગો કર્યો હતો. ભોગ બનેલી સગીર બાળકીની માતાએ તારીખ 26. 11. 15 ના રોજ પોતાના મકાન ભાડેથી રહેતા નણદોઈ ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂ મિયા સેક વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ ભોગ બનનાર સગીરા સાથે આરોપી ફુવા એ ઘરમાં સફાઈ કામના ઇરાદે બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકથી વધારે વાર ભોગ બનનાર બાળકી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.
જે અંગે બાળકીની માતાએ તેનું પેટ દેખાતા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી. જે તબીબી રિપોર્ટમાં ભોગ બનનાર ગર્ભવતી હોવાનું બહાર આવતા ફરિયાદીની માતાએ પોતાની પુત્રીને આ અંગે પૂછતા આરોપી ફુવા ગુલામ રસુલ શેખે છેલ્લા એકાદ વર્ષથી ભોગ બનનાર સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ધમકી આપતો હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસમાં આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા એપીપી દિગંત તેવારની રજુઆતોને માન્ય રાખી આરોપી ગુલામ રસુલ શેખને તમામ ગુનામાં દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપીને સગીર બાળકી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેવાના ગુનામાં આજીવન કેદની સજા તથા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી દંડ ભરે તો ભોગ બનનાર કિશોરીને પચાસ હજાર વળતર આપવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.