વેડરોડ સ્થિત પંડોળ શોપીંગ સેન્ટરમાં ઉષા એજન્સી નામના ઇલેક્ટ્રોનીક્સ શો-રૂમને તસ્કરોએ નિશાન બનાવી રોકડ, 38 નંગ મોબાઇલ ફોન અને લેપટોપ સહિત કુલ રૂા. 6.97 લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરો જતા-જતા ડીવીઆર પણ ચોરી જતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી પરંતુ તેના ફુટેજ મળ્યા ન્હોતા. વેડરોડ સ્થિત કેન્સર હોસ્પિટલ સામે મનસી રાધિકા સોસાયટીમાં રહેતા હરકિશન અશોક વાડોલીયા વેડ રોડ નાની બહુચરાજી મંદિર નજીક પંડોળ શોપીંગ સેન્ટરમાં મધુરમ પ્લાઝા ઉષા એજન્સી નામે ભાગીદારીમાં ઇલેક્ટ્રોનીક્સ શો-રૂમ ધરાવે છે. આ શો-રૂમને તસ્કરોએ નિશાન બનાવી ત્રીજા માળે આવેલા ગોડાઉનની એક સાઇડની જાળી કોઇ સાધન વડે કાપી અંદર પ્રવેશ્યા હતા.
શોર-રૂમના ગ્રાઉન્ડ ફલોરથી લઇ ત્રીજા માળ સુધીનો સરસામાન વેરવિખેર કરી તેમાંથી 32 નંગ મોબાઇલ ફોન કિંમત રૂા. 5.33 લાખ, સ્ટાફના મોબાઇલ 6 નંગ કિંમત રૂા. 60 હજાર, રોકડા રૂા. 45 હજાર, બે લેપટોપ કિંમત રૂા. 42 હજાર, કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક 3 નંગ કિંમત રૂા. 6 હજાર અને ડીવીઆર મળી કુલ રૂા. 6.97 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. હરકિશનનો ભાઇ સવારે સાડા દસ વાગ્યે શો-રૂમ ખોલ્યો ત્યારે સરસામાન વેરવિખેર જોઇ ચોંકી ગયો હતો અને તુરંત જ હરકિશન અને તેના ભાગીદારોને સમગ્ર બાબતની જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.
ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ચોકબજાર પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શો-રૂમાં સીસીટીવી કેમેરા છે પરંતુ તસ્કરો જતા-જતા ડીવીઆર પણ લઇ ગયા હોવાથી ચોરીની ઘટના તેમાં રેકોર્ડ થઇ હતી. પરંતુ તેની ફુટેજ મળ્યા ન્હોતા. હાલમાં પોલીસ દ્વારા શો-રૂમમાં નોકરી કરતા 23 કર્મચારીઓની પણ પુછપરછ હાથ ધરી છે.