સીટીલાઇટના બિલ્ડરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી પેટે રૂ. 10 લાખની માંગણી કરનાર ગેંગસ્ટરર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને ઝબ્બે કરવામાં પોલીસની નિષ્ફળતા પગલે બેફામ બનેલા અનિલ કાઠીએ પુનઃ બિલ્ડરને ધમકી ઉચ્ચારી છે કે હવે હું ગાંડો થયો છું અને તારી લોહીની પીચકારી ઉડાવીશ.
વેસુ વિસ્તારના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર નેહલ કાંતીલાલ અનિલ (ઉ. વ.૩૭) ની સીટીલાઇટ રોડના હિરાપન્ના શોપીંગ સેન્ટરમાં ઓફિસમાં ઘુસી જઇ માથાભારે અનિલ કાઠી અને છોટા રાજના ગેંગ સાથે ઘરોબો ધરાવતા ધર્મેન્દ્ર પંજાબી સહિત સાતથી આઠ જણાએ ઓફિસ સ્ટાફને ધાક-ધમકી આપી ખંડણી પેટે રૂા. 10 લાખની માંગણી કરી હતી. આ પ્રકરણમાં બિલ્ડરે ઉમરા પોલીસ મથકમાં અનિલ અને ધર્મેન્દ્ર સહિતની ટોળકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ નોંધાયાને દોઢ મહિનાના સમયગાળામાં માત્ર બે પન્ટરોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ઉમરા પોલીસને હવાલે કર્યા હતા. પરંતુ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને ઝબ્બે કરવામાં પોલીસ નિષ્ફળ ગઇ છે. જેના પરિણામ સ્વરૂપ અનિલ કાઠીએ પુનઃ બિલ્ડર નેહલને વોટસ અપ મેસેજ અને ફોન કોલ કરી ધમકી આપી છે.
બિલ્ડર નેહલ અઠવાલાઇન્સ સ્થિત દીવાળી બાગમાં મિત્ર કમલેશની ઓફિસમાં હતા ત્યારે અને નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી પસાર થતા હતા ત્યારે ધમકી ઉચ્ચારતા અનિલ કાઠીએ કહ્યું હતું કે `તને કેસ કરવાનો બહુ શોખ છે?
તારૂ સરનામું મળી ગયું છે અને જેણે તને કેસ કરાવ્યો છે તે બધાને તૈયાર રહેવા કહી દેજે. તે મારી દિવાળી બગાડી છે તો હવે હું તારી જીંદગી બગાડીશ, તારા ફેમિલીની પણ સિકયુરીટી વધારી દેજે. તારે જેટલા કેસ કરવા હોય કરી દે. જ્યાં સુધી તને પુરો નહિ કરૂ ત્યાં સુધી મને ચેન નહિ પડશે.
હવે તારે કેસ પતાવવો હશે તો પણ મારે સમાધાન નથી કરવું. તુ સુરતમાં કે ઇન્ડિયામાં ગમે ત્યાં જશે તારૂ અને મારૂ સમાધાન હવે શક્ય નથી અને તને મારવા માટે હું જ જાતે જ આવીશ. તારી છાતીમાં સ્પ્રિંગ છે અને હું એક જ ફેંટ મારીશ એટલે તારૂ પુરૂ ! મારૂ એવું સેટીંગ છે કે હાજર થઇશ અને છુટી જઇશ. તે કેસ કરવાની હિંમ્મત કેમ કરી.
અત્યાર સુધી કંઇ થતું તો અનિલ કાઠી યાદ આવતો હતો અને હવે…! તું કઇ ગાડીમાં ફરે છે અને તારા છોકરા જે સ્કુલમાં જાય છે ત્યાં પણ જઇશ અને તારા બીજા ઘણા દુશ્મનો મને મળ્યા છે.
હવે હું ગાંડો થયો છું અને તારી લોહીની પીચકારી ઉડાવીશ ત્યાં સુધી મને ચેનની ઉંઘ નહિ આવશે. તારી પાસે કઇ-કઇ ગાડી છે તે બધુ ખબર છે અને તું નહિ મળે તો ફેમિલીને ટોર્ચર કરીશ..!