આઝાદીની લડત માટેના 1857ના વિલ્પવ વખતથી ચંદની પડવામાં ઘારીનો શરૂ થયેલો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. જોકે અત્યાર સુધીમાં ઘારીના રંગરૂપમાં અને ફેરફાર આવ્યા અને વિવિધ ફ્લેવર્ડવાળી ઘારી સુરતના બજારમાં વેચાતી થઈ છે. ઘારીમાં ધરખમ ફેરફાર છતાં પણ ઘારી સાથે ખવાતું સુરતી ભુસુ આજે પણ અડીખમ જોવા મળે છે. ચંદની પડવામાં ભુસાની ભરપુર ડિમાન્ડ હોવાથી ફરસાણના વેપારીઓએ ભુસાનો સ્ટોક કરી દીધો છે.
ચંદની પડવાનો તહેવાર એટલે સુરતમાં ઘારી ખાવાનો તહેવાર તેવું સુરતથી પ્રસિધ્ધ થતાં અનેક કેલેન્ડરમાં પણ લખવામાં આવ્યું હોય છે. સમયની સાથે સાથે ઘારીના રંગરૂપમાં અનેક બદલાવ આવ્યા અને આજે ઘારી મીઠાઈની દુકાનોમાં વિવિધ ફ્લેવર્ડમાં વેચાઈ રહી છે.
ચંદની પડવામાં ખવાતી ઘારી અનેક ફ્લેવર્ડમાં બની રહી છે પરંતુ તેની સાથે ખવાતું ભુસુ હજી પણ એનું એ જ જોવા મળી રહ્યું છે. મીઠી મધ જેવી ઘારી સાથે સુરતીઓ ભુસુ (ચવાણું) ઝાપટી જતાં હોય છે. જેના કારણે ચંદની પડવાના તહેવાર પહેલાં ફરસાણની દુકાનમાં વેપારીઓએ સુરતી ભુસા માટેની સામગ્રીનો સ્ટોક કરી દીધો છે.
સુરતી ભુસુ માટે સેવ, ચેવડો, તિખા મોરા ગાંઠીયા તથા તીખી મીટી બુંદીનું મિશ્રણ સાથે ચણાની દાળ પણ ઉમેરી દેવાતી હોય છે. આ પ્રકારે તૈયાર કરવામા આવેલું સુરતી ભુસુ સામાન્ય દિવસોમાં સુરતીઓનો ચા સાથેનો નાસ્તો હોય છે પરંતુ ચંદની પડવામાં મીઠી ઘારી સાથે તીખા ભુસાનો કરેલો સંગમ સુરતીઓનો ટેસ્ટ બની ગયો છે. જેના કારણે સુરતીઓ ઘારીની સાથે તીખુ ભુસુ અચુક ખાતા હોય છે. ચંદની પડવામાં લોકો હજારો કિલો ભુસુ ઝાપટી જતાં હોય સુરતના મોટા ભાગની ફરસાણની દુકાનમાં ભુસાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. સુરતમાં ચંદની પડવામાં હજારો કિલો ભુસુ સાથે ગરમા ગરમ પેટીસ- કચોરી અને સમોસાની પણ બોલબાલા રહેશે. સુરતની ફરસાણની દુકાનો પર ઘારી સાથે ભુસાનો તો સ્ટોક કરી દેવામા આવ્યો છે.
સુરતીઓ માટે ચંદની પડવો અતિ મહત્વનો તહેવાર છે તેમાં ખાણી પીણીને વધુ મહત્વ હોવાથી સુરતીઓ ટેરેસ પર બેસીને કે ભેગા થઈને ચંદની પડવાની ઉજવણી કરતાં હોય છે. આ દિવસે સુરતીઓ મીઠી ઘારી અને તીખુ ભુસુ સાથે સાથે ગરમા ગરમ પેટીસ- કચોરી અને સમોસાની પણ મીજબાની કરે છે.
આ દિવસે ઓર્ડર વધુ હોવાથી અનેક લોકોએ આજથી જ સમોસા- કચોરી અને પેટીસનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જેના કારણે ચંદની પડવાની ઉજવણીમાં ફરસાણ લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં.