લોકસભાની ચૂંટણી નજીક દેખાતા ગુજરાત સરકારને તાપી નદીના શુદ્વિકરણનો મુદ્દો યાદ આવ્યો. સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્વિકરણ યોજનાને ઝડપથી આગળ વધરાવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાપી શુદ્વિકરણ અંગે નોડલ ડિપાર્ટમેન્ટની રચના કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે 971 કરોડના ખર્ચે તાપી શુદ્વિકરણ પ્રોજેક્ટને મંજુરી આપી હોવાની જાણકારી મળી રહી છે. તાપી શુદ્વિકરણ યોજના માટે કેન્દ્ર સરકારની મંજુરી મેળવવા માટે સુરતના સાંસદ દર્શના જરદોષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલની ભૂમિકા પણ મહત્વની રહી હતી.
સુરતની મહત્વકાંક્ષી 922 કરોડની તાપી શુદ્વિકરણ યોજના અંગે કેન્દ્ર સરકાર સમક્ષ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, સુરતના કમિશનર થેન્નારાસને તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી તાપીને શુદ્વ કરવા યોજના બનાવવામાં આવી છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા પણ તાપી શુદ્વિકરણને લઈ સુરતમાં અવાર-નવાર મીટીંગ યોજવામાં આવી હતી. સમગ્ર યોજના અંગે વ્યવહારુ અને કૂશળ સંચાલન થાય તેના માટે નોડલ ડીપાર્ટમેન્ટની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડ્રેનેજનું પાણી હોય કે ફ્લાય એશ હોય તેનો કાયમી ઉકેલ લાવવા માટે અલગ-અલગ વિભાગો દ્વારા કામગીરી અને મંજુરી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે એક્શન પ્લાન પ્રમાણે તાપી શુદ્વિકરણ યોજનાને આગળ વધારવામાં આવશે.
તાપી શુદ્વિકરણ યોજનામાં 60 ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને 20 ટકા હિસ્સો સુરત મહાનગરપાલિકાનો રહ્યો છે જ્યારે રાજ્ય સરકારનો 20 ટકા હિસ્સો છે. અનેક ટેક્નિકલ પાસાઓ અને પર્યાવરણની મંજુરી લઈને તાપી શુદ્વિકરણ યોજનામાં હવે એક્શન પ્લાન પ્રમાણે કામ કરવાનું છે.