સુરત. સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૦’ અને ‘SBC બિઝનેસ એક્ષ્પો’ને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. આ પ્રદર્શનમાં મહિલાઓને ગૃહઉદ્યોગથી લઇને ઉદ્યોગ સાહસિકોને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું સાહસ કરવા સુધીનું ગાઇડન્સ સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવી રહયુ છે તથા બેંકો દ્વારા પણ લોન અંગેની માહિતી આપવામાં આવી રહી છે. નમકીન અને બેકરીની આઇટમોમાં સ્ટોલધારકો દ્વારા બાય વન ગેટ વન ફ્રીની ઓફર આપવામાં આવતા લોકોની ભારે ભીડ જામી રહી છે. ખાણીપીણીની ચીજવસ્તુઓના સ્ટોલધારકો દ્વારા લોકોને કૂપનો પણ આપવામાં આવી રહી છે. બે દિવસ દરમિયાન પ્રદર્શનમાં ૯ હજારથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી. પ્રદર્શનની મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે.
ભારત સરકારના નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ તથા ગુજરાત સરકારના બાગાયત ખાતાના સ્ટોલમાં સરકારની બાયાગત માટેની સહાયલક્ષી યોજનાઓ અને ટેકનોલોજી – ફાયનાન્સીયલ સપોર્ટની માહિતી આપવામાં આવી રહી છે. બાગાયતી ખાતા દ્વારા ઔષધીય સુગંધીત પાકોનું ડિસ્ટીલેશન યુનિટ, બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ, વીજદર–ગ્રીનહાઉસ/ટીસ્યુ લેબ, પેકીંગ મટિરીયલ્સ, કાચા મંડપ–ટ્રેલીઝ, પ્લગ નર્સરી, ઔષધીય પાકોના વાવેતર, વેલાવાળા શાકભાજીના ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટિરિયલ (છોડ/રોપા) દ્વારા વાવેતર, ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા, વિનામૂલ્યે શાકભાજી પાકોનો હાઇબ્રીડ બિયારણમાં ઈનપુટ આપવા, પોલીહાઉસ/નેટહાઉસમાં સોઈલલેસ કલ્ચર (હાઇડ્રોપોનિકસ પદ્ધતિ), નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીયેશન પ્રક્રિયા, હવાઇ માર્ગે અને દરિયાઇ માર્ગે નિકાસની સુવિધા વિશે માર્ગદર્શન આપવામાં આવી રહયુ છે.
પ્રદર્શનમાં ઓર્ગેનીક ફળફળાદીનું પણ પ્રદર્શન કરવામાં આવી રહયુ છે. ખાસ કરીને ડાંગ અને આહવાના ખેડૂતો દ્વારા રસાયણમુકત પ્યોર ઓર્ગેનીક પેદાશો જેવા ફળફળાદીનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહયુ છે. લોકો હવે ઓર્ગેનીક ફૂડ તરફ આકર્ષાઇ રહયાં છે. આદિવાસી ખેડૂતો દ્વારા ઓર્ગેનીક ચોખા, નાગલી, આખા અડદ, અડદની દાળ, ભગર (મોરૈયો), ખરસાણી અને શાકભાજી વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયુ છે. જયાં મોટાભાગે સુરતીઓની ભીડ જોવા મળી રહી છે.