નાનપુરા દયાળજી બાગ નજીક અને ઉમરા ગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી બે લાશ મળવાની ઘટનામાં પોલીસે બંન્ને મૃતકોની ઓળખ માટે સુરત શહેર-જિલ્લામાંથી ગુમ થનારની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત હત્યાનો ભોગ બનનાર બંન્ને મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા સાથે ડીએનએ પરીક્ષણની પણ તજવીજ હાથ ધરી છે.
ગત રોજ નાનપુરા દયાળજી બાગ અને નાવડી ઓવારાની વચ્ચે તાપી નદીના પટમાંથી અજાણ્યા યુવાનની લાશ રાંદેર પોલીસને મળી આવી હતી. આ લાશ મળ્યાના ગણતરીના ત્રણથી ચાર કલાકમાં જ વધુ એક લાશ ઉમરાગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી ઉમરા પોલીસને મળી આવી હતી. રાંદેર અને ઉમરા પોલીસે બંન્ને લાશનો કબ્જો લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં દયાળજી બાગ પાસેથી મળેલી લાશ અંદાજે 30 વર્ષીય યુવાનની અને તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઉંડો ઘા અને જમણા હાથ અને ડાબા હાથના કાંડા ઉપર પણ ઇજાના નિશાન અને જમણા હાથ પર અંગ્રેજીમાં મિલન નામ અને મોર પીછનું છુંદણ છે. જયારે ઉમરા ગામના દમણ ફળિયા પાછળથી મળેલી લાશ અંદાજે 25 થી 30 વર્ષીય યુવાનની અને તેને પણ તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઉંડો ઘા અને હાથમાં ઇજાના નિશાન છે. જયારે ગળઆની જમણી બાજુ સ્ટાર, જમણા હાથ અને ડાબા હાથ પર મોરપીંછ અને દિલ આકારાનું છુંદણ છે. દિલ આકારના છુંદણમાં પૂજા નામ લખેલું છે અને લાશ નગ્ન અવસ્થામાં હતી. હાલમાં આ બંન્ને મૃતકોની ઓળખ માટે રાંદેર અને ઉમરા પોલીસે શહેર-જિલ્લામાંથી ગુમ થયેલાની માહિતી મેળવી રહી છે. જો કે પોલીસને આશંકા છે કે બંન્ને મૃતકો એક જ પરિવારના હોવાની સાથે તેઓની એક જ ઠેકાણે હત્યા કર્યા બાદ લાશ તાપી નદીમાં ફેંકી દેવામાં આવી છે. જેથી પોલીસે બંન્નેના ડીએનએ પરીક્ષણ કરાવવાની પણ તજવીજ હાથ ધરી છે.