તક્ષશિલા અગ્નિકાંડમાં આગથી બચવા માટે જીવના જોખમે એક પછી એક 15 માસૂમ બાળકોએ મોતની છલાંગ લગાવી હતી અને તે વખતે ભયભીત થયેલાં બાળકોને સિફતપૂર્વક ઝીલીને તેમનાં જીવન બચાવી શકે તેવા ફાયર વિભાગ પાસે જમ્પિંગ કુશન ન હતા. જેને લઇ કૂદેલા 15માંથી 6 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. જેથી તક્ષશિલાની ઘટનામાંથી બોધપાઠ લઇ મનપાએ આવી દુર્ઘટના વેળાએ 80 ફૂટ (25 મીટર) સુધીની ઉંચાઇએથી કૂદી જનારા લોકોના જીવ બચાવી શકાય તેવા સાત જમ્પિંગ કુશન ખરીદવાનું આયોજન કર્યું છે. એક જમ્પીંગ કુશનની કિંમત 13 લાખ છે. આવતીકાલે મળનારી ટેન્ડર સ્કુટીની કિમિટીમાં નિર્ણય લેવાશે.
સલામતી માટે નવા સાધનોની ખરીદી
સાત જમ્પીંગ કુશન દરેક ઝોનમાં એક એક મુકવામાં આવશે. આ જમ્પીંગ કુશનની ખાસિયત એ છે કે જમ્પિંગ નેટ કરતા જમ્પિંગ કુશન વધારે સલામત છે. પાલિકાએ સાત જમ્પીંગ કુશન ખરીદવા ઓફર મંગાવી હતી. જેમાં બે ઇજારદાર પૈકી એક એ પ્રતિ જમ્પિંગ કુશનના 13 લાખ અને બીજાએ 17 લાખની ઓફર કરી છે. લો એસ્ટ ઓફર કરનાર ઇજારદારે જર્મન બનાવટના જમ્પિંગ કુશન આપવાની તૈયારી બતાવી છે. તક્ષશિલાની હોનારત વખતે માસૂમ બાળકોને ઝીલવા માટે મહા નગર પાલિકા પાસે પૂરતા સાધનો નહીં હોવાથી ફાયરની ટીમે તમાશો જોવો પડ્યો હતો અને તેને લઇ પાલિકા અને ફાયર વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટના બાદથી ફાયર વિભાગમાં કોઇપણ પ્રકારના બજેટની પરવાહ કર્યા વિના લોકોની સલામતી માટે અદ્યતન સાધન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદથી ફાયર વિભાગમાં નવા સાધનોની ખરીદી ચાલી રહી છે.
જમ્પિંગ કુશનની વિશેષતા
- 15 ફુટ લંબાઇ અને પહોળાઇનું કુશન હશે
- 8 ફુટ જેટલી હાઇટ રહેશે
- 2 જ મિનિટમાં સિલિન્ડરથી કુશન ભરી શકાશે