“મારી છોરી કોઈ છોરો સે કમ હે કે…” સુરતના શાહ પરિવાર માટે આ કહેવત એકદમ સાચી પડી છે, કારણ કે તેમની દીકરી રોમા ભારતની પ્રથમ એવી મહિલા ખેલાડી બની છે કે જેણે દેશ માટે રશિયાના મોસ્કોમાં યોજાયેલી ‘વર્લ્ડ રો પાવર લીફટિંગ’ ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. રોમાએ માઇનસ 10 ડિગ્રીમાં ત્રણ કેટેગરીમાં 330 કિલો વજન ઉચકી વિશ્વના 2000 ખેલાડીઓને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
કમજોર છે, તારા થી નહી થાય, તારી કાયા કોમળ અને નાજુક છે, આવી વાતો કરનાર લોકો સુરતની રોમા શાહની ઉપલબ્ધિ ને ચોક્કસથી જાણે અને ઓળખે. સુરતની 21 વર્ષીય રોમા બિરેન શાહે પોતાના દેશ માટે જે કરીને બતાવ્યું છે તે અત્યાર સુધીમાં દેશની કોઇપણ મહિલા ખેલાડીએ કર્યું નથી. રશિયાના મોસ્કો ખાતે યોજાયેલી ‘વર્લ્ડ રો પાવર લિફટિંગ’ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજા વર્ષે 2 ગોલ્ડ, સિલ્વર મેડલ મેળવી હેટ્રિક કરી છે. ત્રણ વર્ષમાં રોમાએ ‘રો પાવર’ લીફટિંગમાં કુલ 8 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા છે.ચાલુ વર્ષે દુનિયાના વિવિધ 20 દેશોમાં થી 2000 થી વધુ સ્પર્ધકો આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા. તેમની વચ્ચે રોમાનું પ્રદર્શન કાબિલે તારીફ હતુ. ત્રણ કેટેગરીમાં કુલ 330 કિલો વજન ઉચકીને તેણે પોતાના પ્રતિસ્પર્ધીઓને માત આપી દીધી.