અસહ્ય ગરમી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થયો છે તો અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. પશ્ચિમ અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ચારેબાજુ ઘેરા કાળા વાદળો અને ભારે પવન સાથે મુશળધાર વરસાદે અમદાવાદવાસીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. હવામાન વિભાગે હજુ 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો હતો
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના 12 જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. પવન સાથે ગાંધીનગર અને અમદાવાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ભેજ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદને કારણે ગાંધીધામ, અંજારના માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદ છતાં ભેજ અને ગરમીનો કહેર યથાવત છે.
ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ખંભાળિયામાં એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયામાં વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખંભાળિયા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદના કારણે ખેડૂતો માટે સારા સમાચાર છે.
વલસાડ, નવસારી, દમણ, ડાંગમાં ભારે વરસાદની આગાહી
માળીયાહાટીનામાં માત્ર અડધા કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો. ગાજવીજ સાથે મુશળધાર વરસાદથી માળીયા હાટીનાના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. સવારથી કમોસમી ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે નર્મદા અને ભરૂચમાં પણ 13મીએ વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનવાને કારણે રાજ્યમાં વરસાદની શક્યતા છે. આજે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.