પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડના આરોપી અને હાલ જામીન પર મૂક્ત એવા સુરતના અફરોઝ ફત્તાનો ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથેનો વીડિયો વાયરલ થયો છે. અફરોઝ ફત્તા અને આદિત્ય પંચોલીની સાથે સુરતના રાંદેર રોડ પર આવેલી હોસ્પિટલમાં દર્દીઓની સાથે ફોટો સેશન કરતા નજરે પડી રહ્યા છે.
અફરોઝ ફત્તાની સામે ઈડીએ 2016માં પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડ અંગે ધરપકડ કરી હતી અને બે વર્ષના સમયગાળા બાદ અફરોઝને હવાલા કેસમાં જામીન પર મૂક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી મૂક્ત થયા બાદ અફરોઝ ફત્તાએ પ્રથમ વખત જાહેરમાં ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથે દેખા દીધી છે.
હોસ્પિટલમાં આદિત્ય પંચોલી દર્દીઓ અને તેમના સગા-વહાલાઓ સાથે સેલ્ફી સહિતના ફોટો પડાવતો નજરે પડી રહ્યો છે. આ ઉપરાંત અફરોઝની સાથે અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે આદિત્ય પંચોલી વારે-છાશવારે સુરત આવતો રહે છે અને સુરતમાં તે બિઝનેસ કરવા આવતો હોવાનું ચર્ચાય છે.