સુરતમાં ત્રીજી નવેમ્બરે રાત્રે જાણે થ્રી ઇડિયટ્સનું દૃશ્ય છતું થયું, ફિલ્મમાં હીરો પોતાના મિત્રના પિતાનો જીવ બચાવવા તેને પીઠ પર બાંધીને મોપેડ પર સવાર થઈ હોસ્પિટલ લઇ જાય છે. રવિવારે રાત્રે રિક્ષા ચાલક રમેશ યાદવ પણ ઘરે જઇ રહ્યો હતો ત્યારે વીઆઇપી રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે ભટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટના અનેક લોકોએ જોઇ પરંતુ ઘાયલને હોસ્પિટલ લઇ જવાની માત્ર હિંમત કેફેમાં કામ કરતા રાજપાલ રાઠોડે દાખવી. તેણે ઘાયલ રિક્ષાચાલકને ટી-શર્ટ વડે પોતાની પીઠ પર બાંધીને એક્ટિવા નજીકની હોસ્પિટલ તરફ હંકારી હતી. આ ઘટનાનો એક હીરો બીજો પણ હતો જે મુંબઇના ડોકટર છે અને તે રાત્રે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ જોઇ તેમનો અંતરઆત્મા જાગી ઉઠ્યો હતો. તેમણે યુવાનનો પીછો કરીને સારવાર કરી રિક્ષા ચાલકનો જીવ બચાવ્યો હતો.
ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને ટીશર્ટથી બાંધી લઈ ગયો: રાજપાલ સિંહ રાઠોડ
હું દરરોજ રાતના કેફે બંધ કર્યા બાદ નાના બાળકો અને લોકોને ખોરાક આપતો જાઉં છું. નિત્યક્રમ મુજબ રવિવારે રાત્રે પણ હું આ રીતે નિકળ્યો પણ આ રોડ પર કોઈ ના મળતાં હુ ગેઈલ ટાવર પાસેના રસ્તેથી પસાર થતો હતો. થોડોક આગળ વધ્યો તો એક રિક્ષા ચાલુ અવસ્થામાં પલટી ગયેલી પડી હતી અને તેની નીચે એક વ્યક્તિ દબાયેલી હતી. મે સ્કૂટી રોકી રિક્ષાને સીધી કરી અને એ વ્યક્તિને બહાર કાઢી, પહેલાં તો એવું લાગ્યુ કે આ વ્યક્તિ મૃત્યુ પામી છે પણ તે બેહોશ હતી. મદદ માટે આજુબાજુ જોયું તો કોઇ દેખાયું નહી. કોઇની રાહ જોવા સમય વેડફાય તેમ ન હતો. મોબાઈલમાં બેટરી ડિસ્ચાર્જ હોવાને કારણે હું કોઈને ફોન પણ કરી શક્યો નહી. ઇજાગ્રસ્ત યુવાનને સ્કૂટી પર બેસાડ્યો અને તેને ટી-શર્ટથી બાંધી દીધો. મેં વિચાર્યું કે સિવિલ લઈ જઉં પણ નજીકની હોસ્પિટલ જોઈ અને ત્યાં જ લઈ ગયો અને તેને તાત્કાલિક સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.
રાઠોડની હિંમતને દાદ દેવી પડે: ડો. અંશ ગુપ્તા
હું મુંબઈથી સુરત ફરવા આવ્યો હતો. મોડી રાત્રે 2 વાગ્યે જ્યારે સિટી લાઈટ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક યુવાનને સ્કૂટી પર પોતાના ટી-શર્ટ દ્વારા એક વ્યક્તિને બાંધીને લઈ જતાં જોયો. કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો ઉતારતા હતા. મને ઘટનાના ગંભીરતા જણાતાં હું આ યુવાનની પાછળ ગયો. હોસ્પિટલમાં એની પાછળ પહોંચ્યો તો જોયું કે તે હોસ્પિટલમાં અન્ય સ્ટાફ હતો પણ ડોક્ટર ન હતા. સ્ટાફે દાખલ કરવાની સ્પષ્ટ ના પાડતાં કહ્યું કે આ પોલીસ કેસ છે, અમે હોસ્પિટલમાં આ વ્યક્તિને સારવાર નહીં કરી શકીએ અને અત્યારે કોઈ ડોક્ટર નથી. પછી મેં કહ્યું કે હું એક ડોક્ટર છું અને મારું આઇકાર્ડ બતાવી ક્હયું માનવતાને ધોરણે અને આ યુવાનની મહેનતને કારણે એક તક આપો. અંતે તેઓ સંમત થયાં અને સારવાર ચાલુ કરી. તેના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાને કારણે તેને તાત્કાલિક બ્લડની જરૂર હતી. તે યુવાને તરત જ કહ્યું કે સર, મારું લોહી લઈ લો. તેણે કહ્યું 22 દિવસ પહેલાં રક્તદાન કરી ચૂક્યો હોવાથી મેં તેને ના પાડી. તેણે વિનંતી કરી સર આ વ્યક્તિ મરી જશે. એક એનઓસી પર તેની સહી લીધી અને લોહી લઈ આ વ્યક્તિને ચઢાવ્યું અને તેનો જીવ બચી ગયો. તેનો પરિવાર સવારે 5.30 આવ્યો ત્યારે અમે બંને ત્યાંથી નીકળી ગયા.