ભોગાવો સહિત 5 ડેમ ઓવરફ્લો થયા
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વૈજ્ઞાનિક ચિરાગ દેત્રોજાના મતે જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે અને તે કારણે નદી-નાળામાં નવા નીર જોવા મળ્યા છે.
નીચાણવાળા ગામોમાં તંત્રએ આપ્યું એલર્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ૨૦ ગામો માટે ચેતવણી આપવી પડી છે. નદીઓમાં પાણીનું લેવલ વધી જતાં ભોગાવો નદી સહિતના વિસ્તારોમાં પાણીની આવક શરૂ થઈ છે. જિલ્લાની નિભાણી, ત્રિવેણી થાગા, ધોળીધજા જેવા પાંચ મુખ્ય જળાશયો ભરાઈ જતા ઓવરફ્લો થયા છે.
વરસાદના કારણે માનવી અને પશુઓને જાનહાનિ
આ વરસાદી માહોલે જનજીવનને અસર પહોંચાડી છે. થાનગઢ તાલુકામાં એક વ્યક્તિનું મોત થયું છે. સાથે જ ૫૭ જેટલા પશુઓના મોત થયા છે અને ત્રણ મકાનોને નુકસાન થયું છે.
તંત્રની અપીલ : સ્વયં સાવચેતી રાખો
જિલ્લા વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે વરસાદની પરિસ્થિતિમાં પૂરતી સાવચેતી રાખવી જોઈએ. નદીઓ અને જળાશયો નજીક ન જવા અને બાળકોને પણ દૂર રાખવાની વિનંતી કરાઈ છે. તંત્ર ખડેપગે હાજર છે અને શક્ય તેટલી રાહત ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ૨૩ થી ૨૬ જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
રાજ્યમાં સરેરાશ કરતા વધુ વરસાદ
અત્યારે સુધી રાજ્યમાં સામાન્ય કરતા ૪૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ સહિતના શહેરોમાં પણ વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલની આગાહી : જુલાઈના અંતે વધુ વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સર્જાતી હવામાન પ્રવૃત્તિઓ ગુજરાત પર સીધી અસર કરી શકે છે. જો ડીપ ડિપ્રેશન કે ઓછું દબાણ ઊભું થાય તો જુલાઈના છેલ્લા દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પવનની ગતિ ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તંત્રને જાગૃત રહેવા અને તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ છે.