જો તમે રાત્રે પૂરતી ઊંડી ઊંઘ નથી લઈ રહ્યા, તો આ 5 સંકેતો તેને સાબિત કરે છે
આજના વ્યસ્ત જીવનમાં ઊંડી અને આરામદાયક ઊંઘ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઊંડી ઊંઘ (Deep Sleep) એ શરીર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ તબક્કામાં શરીર અને મગજ પોતાને રીપેર કરે છે. જોકે, ઘણા લોકો રાત્રે ઊંઘી તો જાય છે, પરંતુ સવારે થાકેલા અને બેચેન મહેસૂસ કરે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો આ 5 સંકેતો સૂચવે છે કે તમારી ઊંઘ પૂરતી ઊંડી નથી.
ઊંડી અને સારી ઊંઘ ન મળવાના સંકેતો:
સવારે ઉઠતા જ થાક લાગવો: જો તમે અલાર્મ વાગ્યા પછી પણ ઊઠવા માટે સંઘર્ષ કરો છો અને ઉઠતા જ શરીર ભારે કે થાકેલું લાગે, તો સ્પષ્ટ છે કે તમારી ઊંઘ પૂરતી આરામદાયક નહોતી. ઊંડી ઊંઘ પછી શરીર તાજું અને હળવું લાગે છે.
દિવસભર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી: ઊંડી ઊંઘ મગજને રિચાર્જ કરે છે. જો તમે દિવસભર નાની નાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, વસ્તુઓ ભૂલી જાઓ છો અથવા વારંવાર ભૂલો કરો છો, તો તે તમારી ઊંઘની નબળી ગુણવત્તાનો સંકેત હોઈ શકે છે.
મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું: ઊંઘની ઉણપને કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ)નું પ્રમાણ વધી જાય છે. આનાથી મૂડ ઝડપથી બદલાય છે, નાની બાબતો પર ગુસ્સો આવે છે અને તમે ભાવનાત્મક રીતે અસ્થિરતા અનુભવો છો.
અચાનક ભૂખ વધી જવી અથવા મીઠું ખાવાની ઈચ્છા થવી: ઊંડી ઊંઘ ન લેવાથી લેપ્ટિન અને ઘ્રેલિન નામના હોર્મોન્સનું સંતુલન બગડે છે, જે ભૂખને નિયંત્રિત કરે છે. આને કારણે તમને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે, ખાસ કરીને મીઠાઈ અથવા જંક ફૂડ.
રાત્રે વારંવાર ઊંઘ તૂટવી અથવા વધુ પડતા સપના આવવા: જો તમે રાત્રે વારંવાર જાગી જાઓ છો અથવા ખૂબ સપના જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારું શરીર ઊંડી ઊંઘના તબક્કામાં પહોંચી શકતું નથી. ઊંઘ વારંવાર તૂટવાથી શરીરને રિપેર થવાનો સમય મળતો નથી.
ઊંડી ઊંઘ મેળવવાના સરળ ઉપાય:
- સુતા પહેલા 1 કલાક માટે મોબાઇલ, ટીવી વગેરેથી દૂર રહો.
- દરરોજ એક જ સમયે સૂવા અને ઉઠવાની આદત પાડો.
- રૂમમાં અંધારું અને શાંત વાતાવરણ રાખો.
- કેમોમાઈલ ટી અથવા ગરમ દૂધનું સેવન કરો.
- દિવસ દરમિયાન થોડી કસરત કરો.