ટ્રમ્પ-શી જિનપિંગ મુલાકાતનો એજન્ડા જાહેર: રશિયા, તાઇવાન અને હોંગકોંગના મુદ્દાઓ પર ફોકસ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર (25 ઓક્ટોબર, 2025) ના રોજ એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, “હું ઈચ્છું છું કે ચીન રશિયાના મામલામાં અમારી મદદ કરે. હું ઈચ્છું છું કે ચીન આમાં અમારી ભૂમિકા સમજે અને સહયોગ કરે.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર છે, કારણ કે વોશિંગ્ટને તાજેતરમાં મોસ્કો પર નવા પ્રતિબંધો લગાવ્યા છે.
ટ્રમ્પ ટૂંક સમયમાં જ તેમની 5 દિવસની એશિયા યાત્રા માટે રવાના થશે, જેમાં મલેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત સામેલ છે. તેમના કાર્યકાળનો આ અત્યાર સુધીનો સૌથી લાંબો વિદેશ પ્રવાસ હશે. તેઓ કુઆલાલમ્પુર ખાતે રવિવારથી શરૂ થઈ રહેલા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેશે.
APEC શિખર સંમેલનમાં પણ જોડાશે ટ્રમ્પ
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પુષ્ટિ કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના એશિયા પ્રવાસ દરમિયાન 29 ઓક્ટોબરથી દક્ષિણ કોરિયાના ગ્યોન્ગજુમાં શરૂ થઈ રહેલા એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.

શી જિનપિંગ સાથે મુલાકાત કરશે
શિખર સંમેલન સિવાય ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વેપાર વાટાઘાટો અને અમેરિકા-ચીન તણાવ પર પણ ચર્ચા કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠકમાં તાઇવાનના મુદ્દા અને હોંગકોંગના લોકશાહી સમર્થક નેતા જિમી લાઇની મુક્તિ પર પણ ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે જિમી લાઇ હવે બંધ થઈ ગયેલા ‘એપલ ડેઇલી’ પ્રો-ડેમોક્રેસી અખબારના સ્થાપક છે, જેમને બીજિંગે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓ હેઠળ હોંગકોંગમાં જેલમાં પૂર્યા છે.
ટ્રમ્પે કહ્યું કે, “અમારી પાસે વાત કરવા માટે ઘણું બધું છે. રાષ્ટ્રપતિ શી પાસે પણ અમારી સાથે વાત કરવા માટે ઘણું બધું છે. મને લાગે છે કે અમારી મુલાકાત સારી રહેશે. હું તાઇવાનના મુદ્દા પર વાત કરીશ. ત્યાં નહીં જઉં, પણ તેના પર ચર્ચા જરૂર કરીશ. મારા મનમાં તાઇવાન માટે ઘણો આદર છે.”

કિમ જોંગ ઉન સાથે પણ મુલાકાત માટે તૈયાર છે ટ્રમ્પ
ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યા કે તેઓ એશિયા પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે પણ મુલાકાત માટે તૈયાર છે. તેમણે કહ્યું, “હું 100 ટકા તૈયાર છું. મારી કિમ જોંગ ઉન સાથે સારી સમજ છે અને જો તક મળશે તો હું તેમને મળવા માટે તૈયાર છું.”

