ટ્રમ્પના ભારત પર 25 ટકા ટેરિફને કારણે અમેરિકામાં શું મોંઘુ થશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં બનેલા અનેક ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ નિર્ણય પાછળ BRICS દેશો, ખાસ કરીને ભારત સાથેના વેપાર ખાધ અને રશિયા પાસેથી કરવામાં આવેલી ખરીદીનો ઉલ્લેખ કર્યો. તેમના કહેવા મુજબ BRICS એવા દેશોનો સમૂહ છે જે અમેરિકાના વ્યાપાર અને ચલણના વિરુદ્ધ છે અને ભારત તેનું સભ્ય હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
ટેરિફ વધારવાથી અમેરિકામાં અનેક ભારતીય ઉત્પાદનો મોંઘા થશે. ખાસ કરીને સ્માર્ટફોન, ઓટો પાર્ટ્સ, ઝવેરાત, કપડાં અને દવાઓ જેવા માલના ભાવમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે. રોઇટર્સના જણાવ્યા પ્રમાણે ભારત અમેરિકાને ખાસ કરીને પોલિશ્ડ હીરા, મિડ-રેન્જ સ્માર્ટફોન, અને દવાઓનો મોટો સપ્લાયર છે. હવે આવા ઉત્પાદનોની આયાત પર વધુ ટેરિફ ભરવી પડશે, જેના કારણે યુએસ ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે.
યેલ બજેટ લેબના અનુમાન અનુસાર, ટેરિફના કારણે અમેરિકામાં આવા ઉત્પાદનોના ભાવમાં સરેરાશ 17% સુધીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને Apple અને Android બ્રાન્ડના ફોન જેમ કે iPhone, જે હાલમાં ભારતમાંથી એક્સપોર્ટ થાય છે, તેમના ભાવમાં સીધો વધારો જોવા મળી શકે છે.
ગયા નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતે અમેરિકામાં $17.2 બિલિયનના મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, $9.9 બિલિયનના ઘરેણાં, $9.6 બિલિયનના કપડાં અને $8.1 બિલિયનની દવાઓ નિકાસ કરી હતી. દવાઓ પર કોઈ ટેરિફ નહોતો, જ્યારે ઝવેરાત પર પહેલેથી જ 24% ટેરિફ લાગુ હતો. હવે નવા 25% ટેરિફ સાથે આ દર વધીને ગ્રાહકો પર વધુ ભાર લાદશે.
ટ્રમ્પનો દાવો છે કે વડાપ્રધાન મોદી તેમના મિત્ર છે, પણ વેપારના મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સંવાદ ઓછો છે. જો ટેરિફ લાંબા ગાળે યથાવત રહેશે, તો તે બંને દેશોની અર્થવ્યવસ્થા અને વ્યાપાર સંબંધો પર અસર કરી શકે છે.