મોઢામાં ઓગળી જાય તેવા દાણાદાર બેસન સોજીના લાડુ: તાળવે ચોંટ્યા વગર બનાવવાની પરફેક્ટ સિક્રેટ રેસીપી
ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ ધાર્મિક પ્રસંગ, પૂજા-પાઠ કે તહેવાર હોય, ઘરની મીઠાઈની થાળી બેસનના લાડુ વગર અધૂરી ગણાય છે. શુદ્ધ ઘીમાંથી બનતા આ લાડુનો સ્વાદ દરેક ઉંમરના લોકોને ખૂબ પસંદ પડે છે. પરંતુ ઘણીવાર ગૃહિણીઓની એ ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલા બેસનના લાડુ ખાતી વખતે મોંમાં કે તાળવે ચોંટી જાય છે અથવા તો તે વધારે પડતા ચીકણા બની જાય છે.
જો તમારી સાથે પણ આવું થતું હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. બેસનની સાથે યોગ્ય પ્રમાણમાં ઝીણી સોજી (રવા) અને દૂધ ઉમેરીને ધાબો આપવાથી લાડુ એકદમ દાણાદાર, હલવાઈ જેવા જ ટેસ્ટી અને મોઢામાં ઓગળી જાય તેવા બને છે. પરફેક્ટ માપ અને સાચી પદ્ધતિ સાથે બનાવેલા આ લાડુ આખો મહિનો સુધી ખરાબ થતા નથી.
જરૂરી સામગ્રીનું સાચું પ્રમાણ
પરફેક્ટ દાણાદાર લાડુ બનાવવા માટે સાચું માપ હોવું અત્યંત જરૂરી છે. આ રેસીપી માટે ૧.૫ કપ બેસન (ચણાનો લોટ), ૧/૨ કપ બારીક સોજી, ૧/2 કપ + ૨ ચમચી શુદ્ધ દેશી ઘી, ૨ ચમચી દૂધ, ૧/૪ કપ ઝીણી સમારેલી બદામ, ૧ કપ + ૨ ચમચી બુરા ખાંડ (અથવા તગાર) અને ૫ નંગ વાટેલી એલચીનો પાવડર જોઈશે.
ધાબો આપીને દાણા પાડવાની વિશિષ્ટ રીત
લાડુને ઉત્તમ ટેક્સચર આપવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં બેસન અને બારીક સોજીને ભેગા કરો. હવે તેમાં ૨ ચમચી ઘી અને ૨ ચમચી દૂધ ઉમેરીને બંને હાથની હથેળીઓ વડે લોટને બરાબર મિક્સ કરી લો. આ પ્રક્રિયાને ‘ધાબો આપવો’ કહેવામાં આવે છે. ત્યારબાદ આ મિશ્રણને ઢાંકીને ૧૦ મિનિટ માટે રહેવા દો, જેથી સોજી અને બેસન દૂધ અને ઘીનું ભેજ સોષીને સરસ ફૂલી જાય.

૧૦ મિનિટ પછી આ મિશ્રણને ઘઉં ચાળવાની ચાળણીથી બરાબર ચાળી લો. આ પગલું કરવાથી બેસન અને સોજીનું એકસરખું દાણાદાર ટેક્સચર તૈયાર થઈ જશે, જે લાડુને તાળવે ચોંટતા અટકાવશે.
ધીમા તાપે લોટ શેકવાની કળા
હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મૂકો. ઘી ઓગળે એટલે તેમાં ચાળેલું બેસન અને સોજીનું મિશ્રણ ઉમેરી દો. ગેસની આંચ બિલકુલ ધીમી રાખીને લોટને સતત હલાવતા રહીને શેકો. યાદ રાખો કે જો લોટ ઉતાવળમાં ફાસ્ટ તાપે શેકવામાં આવશે તો તે ઉપરથી લાલ થઈ જશે પણ અંદરથી કાચો રહેશે.
ધીમી આંચ પર સતત ૧૫ મિનિટ સુધી શેકવાથી લોટનો રંગ હલકો સોનેરી થશે, કડાઈમાંથી ઘી છૂટું પડવા લાગશે અને આખા રસોડામાં લોટ શેકાવાની સરસ સુગંધ પ્રસરી જશે. આ સ્ટેજ પર બાકી રાખેલું ૨ ચમચી ઘી અને સમારેલી બદામ ઉમેરીને વધુ ૨ મિનિટ માટે શેકી લો, જેથી બદામ પણ સરસ ક્રિસ્પી થઈ જાય.

બુરા ખાંડ ઉમેરીને લાડુ વાળવાની પદ્ધતિ
મિશ્રણ સરસ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કડાઈને નીચે ઉતારી લો. મિશ્રણને ચમચા વડે હલાવતાં રહીને નવશેકું (હૂંફાળું) ઠંડુ થવા દો. મિશ્રણ પૂરેપૂરું ઠંડુ પણ ન થવું જોઈએ અને ગરમ પણ ન હોવું જોઈએ. મિશ્રણ હૂંફાળું થાય એટલે તેમાં એલચી પાવડર અને બુરા ખાંડ ઉમેરીને હાથ વડે એકરસ કરી લો.
હવે હાથમાં થોડું થોડું મિશ્રણ લઈ દબાવીને ગોળ-ગોળ લાડુ તૈયાર કરી લો. ઉપરથી બદામની કતરી લગાવીને સજાવટ કરો. તમારા મોઢામાં મુકતાં જ ઓગળી જાય તેવા દાણાદાર બેસન સોજીના લાડુ તૈયાર છે. તેને એકવાર બનાવીને એર-ટાઈટ ડબ્બામાં ભરીને ૧ મહિના સુધી સ્ટોર કરી શકો છો.
