ટાટાનો માસ્ટરપ્લાન: વિશાખાપટ્ટનમ અને પુણેમાં ખરીદી કરોડોની જમીન, જાણો આઈટી સેક્ટરમાં શું થશે ફેરફાર?
ભારતની સૌથી મોટી અને આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશવાની પોતાની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. ટાટા ગ્રુપે આ દિશામાં મોટું કદમ ઉઠાવતા વિશાખાપટ્ટનમ (વિઝાક) અને પુણેમાં બે મોટી જમીન સંપાદિત કરી છે. આ જમીનો પર અમેરિકાની ચર્ચિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની ‘ઓપનએઆઇ’ (OpenAI) માટે ભારતનું પહેલું હાઇપરસાઇઝ ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશ સરકારે દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસને અનાકાપલ્લી જિલ્લામાં ૨૦૦ એકર જમીન ફાળવી છે. નોંધનીય છે કે, આ જ વિસ્તારમાં વૈશ્વિક ટેક દિગ્ગજ ગૂગલ (Google) પહેલાથી જ પોતાનું ૧ ગીગાવોટ (1GW) ની ક્ષમતા ધરાવતું હાઇપરસકેલ ડેટા સેન્ટર સ્થાપી રહ્યું છે.

બીજી તરફ, ટીસીએસ એ મહારાષ્ટ્રના પુણે સ્થિત બોપખેલ વિસ્તારમાં પણ ૮૮ એકર જમીન ‘હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ’ પાસેથી રૂ. ૬૪૦.૫૦ કરોડમાં ખરીદી છે. હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ એ ભૂતપૂર્વ VSNL (જે હાલમાં ટાટા કમ્યુનિકેશન્સ તરીકે ઓળખાય છે) ની સંપત્તિઓના વ્યવસ્થાપન અને વેચાણનું કામ કરતી સરકારી કંપની છે. સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર, કંપનીને આ જમીન વેચાણ માટે ૩૦ જૂનના રોજ શેરધારકોની જરૂરી મંજૂરી પણ મળી ગઈ હતી.
જમીનોના મૂલ્યાંકન (Valuation) ની પ્રક્રિયા ચાલુ
મીડિયા અહેવાલો મુજબ, ટીસીએસના સીઈઓ (CEO) કે. કૃતિવાસને તાજેતરમાં બજાર સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, કંપની હાલમાં કેટલીક વૈશ્વિક ‘હાઇપરસકેલર્સ’ કંપનીઓ સાથે આઇટી અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વાતચીતના અત્યંત અદ્યતન તબક્કામાં છે. આ સાથે જ દેશના વિવિધ સ્થળોએ જમીનના ટુકડાઓનું વેલ્યુએશન પણ ચાલી રહ્યું છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચાલુ ત્રિમાસિક ગાળા દરમિયાન જ એક કે બે મોટી કંપનીઓ સાથે અંતિમ કરાર (Agreement) થઈ શકે છે, જ્યારે બીજી ત્રિમાસિક (Q2) ના સમયગાળા દરમિયાન આ ભાગીદારી અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આ મહત્વના સમાચાર વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ટીસીએસનો શેર મામૂલી ૦.૨૭ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૨૪૪.૦૫ ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
અંબાણી-અદાણી સાથે સીધી સ્પર્ધા
ટાટા ગ્રુપ અને ચેટજીપીટી બનાવનાર કંપની OpenAI વચ્ચેનું આ સંભવિત ડેટા સેન્ટર જોડાણ ભારતમાં AI અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ત્રીજી સૌથી મોટી વૈશ્વિક ભાગીદારી બનશે. આ અગાઉ, ગૂગલ અને અદાણી ગ્રુપ (Google-Adani) તથા ફેસબુકની પેરન્ટ કંપની મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Meta-Reliance) વચ્ચે ડેટા અને ટેકનોલોજી સેક્ટરમાં પહેલેથી જ મોટા કરારો થઈ ચૂક્યા છે.
ડેટા સેન્ટરના બિઝનેસમાં હવે માત્ર પરંપરાગત વ્યાપારી જૂથો જ નહીં, પરંતુ એચસીએલટેક (HCLTech), કોગ્નિઝન્ટ (Cognizant) અને એક્સેન્ચર (Accenture) જેવી અગ્રણી આઇટી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પણ આક્રમક રીતે પ્રવેશ કરી રહી છે, જેના કારણે બજારમાં આ સ્પર્ધા વધુ રસપ્રદ બની ગઈ છે.

અન્ય આઇટી દિગ્ગજો પણ આ રેસમાં સામેલ
ડેટા સેન્ટરના ભવિષ્ય લક્ષી કારોબારને કબજે કરવા માટે માત્ર ટાટા જ નહીં, પરંતુ અન્ય આઇટી કંપનીઓએ પણ કરોડો રૂપિયાના રોકાણના પ્લાન તૈયાર કર્યા છે:
-
એચસીએલટેક (HCLTech): કંપનીએ તાજેતરમાં જ ભારતમાં ખાસ AI-કેન્દ્રિત ડેટા સેન્ટરો ઊભા કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપનીનો લાંબા ગાળાનો ધ્યેય ૫૦ મેગાવોટ (50 MW) ની ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે.
-
એક્સેન્ચર (Accenture): વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસીસ ફર્મ એક્સેન્ચરે ‘DLB એસોસિએટ્સ’ ના માધ્યમથી ડેટા સેન્ટર ડિઝાઇનિંગ અને કન્સલ્ટિંગ ક્ષેત્રે પોતાની ક્ષમતા મજબૂત કરી છે, જ્યારે ‘Soben’ ના સંપાદન દ્વારા કન્સ્ટ્રક્શન કન્સલ્ટિંગમાં ૬૫% ભાગીદારી મેળવી લીધી છે.
-
કોગ્નિઝન્ટ (Cognizant): આ કંપનીએ પણ $૬૦૦ મિલિયન (લગભગ રૂ. ૫,૦૦૦ કરોડ) માં ‘Astreya’ કંપનીનું સંપાદન કરીને પોતાના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશન્સ ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું છે.
આમ, આગામી દિવસોમાં ભારતમાં AI અને ડેટા સ્ટોરેજના ક્ષેત્રમાં અંબાણી, અદાણી અને ટાટા જેવા જૂથો વચ્ચે એક નવી અને વ્યાપક કોર્પોરેટ જંગ જોવા મળી શકે છે.