સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક 600મી ટેસ્ટ: ગાલેમાં ભારતીય ટીમે ત્રિરંગો લહેરાવી ગાયું રાષ્ટ્રગીત, જુઓ આ ખાસ ક્ષણ
આજે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભારત પોતાનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ ઐતિહાસિક દિવસે શ્રીલંકાના ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો ધમાકેદાર પ્રારંભ થયો છે. લાંબા વિરામ બાદ રેડ-બોલ ક્રિકેટમાં વાપસી કરી રહેલી ભારતીય ટીમ માટે આજનો દિવસ બેવડી ખુશી અને ગર્વ લઈને આવ્યો છે. મેચની શરૂઆત પહેલાં ભારતીય ટીમે ગાલેના મેદાન પર ત્રિરંગો લહેરાવીને દેશનો ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમથી ઉજવ્યો હતો.
શ્રીલંકાની ધરતી પર ગુંજ્યું ‘જન ગણ મન’
ભારતથી દૂર હોવા છતાં દેશપ્રેમની ભાવનામાં કોઈ કમી જોવા મળી નહોતી. પ્રથમ દિવસની રમત શરૂ થાય તે પહેલાં કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં સંપૂર્ણ ભારતીય સ્ક્વોડ અને સપોર્ટ સ્ટાફ એકસાથે મેદાન પર એકઠા થયા હતા. ગાલે સ્ટેડિયમમાં ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ ખેલાડીઓ તેમજ કોચિંગ સ્ટાફે એકસૂરે રાષ્ટ્રગીત ગાયું હતું.

આ ભાવુક અને ગર્વથી ભરી દેનારી ક્ષણનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ભારતે પૂર્ણ કરી ૬૦૦મી ટેસ્ટ, રચ્યો નવો ઈતિહાસ
આ મેચ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે ટીમ ઈન્ડિયા આજે પોતાની ૬૦૦મી ટેસ્ટ મેચ રમી રહી છે. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર બે જ ટીમો ૬૦૦ કે તેથી વધુ ટેસ્ટ મેચ રમી શકી છે:
ઈંગ્લેન્ડ: ૧,૦૯૭ ટેસ્ટ મેચ (યાદીમાં પ્રથમ સ્થાને)
ઓસ્ટ્રેલિયા: ૮૮૩ ટેસ્ટ મેચ (બીજા સ્થાને)
ભારત: ૬૦૦ ટેસ્ટ મેચ (ત્રીજા સ્થાને પહોંચનાર ક્રિકેટ ઈતિહાસનું ત્રીજું રાષ્ટ્ર)
આ યાદીમાં ૫૯૬ ટેસ્ટ મેચ સાથે વેસ્ટ ઈન્ડિઝ ચોથા ક્રમે છે, જે પણ ટૂંક સમયમાં ૬૦૦ ટેસ્ટનો આંકડો સ્પર્શશે, જ્યારે ન્યૂઝીલેન્ડ ૪૮૭ ટેસ્ટ સાથે પાંચમા સ્થાને છે.
On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU
— BCCI (@BCCI) August 15, 2026
બંને ટીમોની પ્લેઇંગ-૧૧:
ભારતીય ટીમ:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
શ્રીલંકા ટીમ:
લાહિરુ ઉદારા, નિશાન ફર્નાન્ડો, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશર નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો.