મુંબઇઃ ભારતમાં ઇન્ટરનેટ રિવોલ્યુશન ઝડપી બની રહ્યુ છે અને 4G બાદ હે 5G ઇન્ટરનેટ સર્વિસની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દેશમાં પ્રથમવાર 5G સર્વિસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. ટેલિકોમ કંપની ભારતી એરટેલ દેશની પ્રથમ કંપની બની ગઈ છે, જેની પાસે 5G નેટવર્કની સુવિધા છે અને કંપનીએ તેનું લાઈવ ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. કંપનીએ તાજેતરમાં હૈદરાબાદમાં પોતાના નેટવર્કને 5G મોડ પર અપગ્રેડ કર્યું અને તમામ લોકોને 5G સ્પીડની સુવિધા આપી હતી. જોકે આમ કરવું ટ્રાયલનો ભાગ હતો. વાસ્તવમાં કંપનીએ પોતાના નેટવર્ક અને ટાવરોને 5G નેટવર્ક અનુસાર અપગ્રેડ કર્યા છે, જેમાં 4G સાથે 5G ટેક્નિક પર પણ કામ થઈ શકે છે.
એરટેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘કંપનીએ 1800MHz બેન્ડ પર 4G ટેકનોલોજીની સાથે 5G ટેક્નિકને પણ અપગ્રેડ કરી છે. જેના કારણે થોડા ફેરફાર સાથે જ કંપની 5G મોડમાં નેટવર્ક સુવિધા આપી શકશે. હાલ અમારી પાસે સ્પેક્ટ્રમ નથી અને ના તો સરકારે સ્પેક્ટ્રમ મામલે કોઈ અંતિમ નિર્ણય કર્યો છે. તેથી જ્યારે સરકાર દ્વારા સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારે અમે સંપૂર્ણ રીતે 5G નેટવર્કમાં અપગ્રેડ થઈ જશું. જોકે અમારી પાસે ઘણા ઓછા સમયમાં જ 5G ટેક્નિક આધારિત સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે અને આમ કરનાર અમે ભારતની પ્રથમ કંપની છીએ. આ માટે અમે હૈદરાબાદમાં નવી ટેક્નિકની ટેસ્ટિંગનું આયોજન કર્યું. જેના પરિણામ ઘણા સારા રહ્યાં. ’ કંપનીના અમુક ગ્રાહકોએ જણાવ્યું કે, તેમણે 5G નેટવર્કમાં અમુક જ સેકન્ડની અંદર સંપૂર્ણ ફિલ્મ ડાઉનલોડ કરી લીધી.
એરટેલ કંપનીએ પોતાની ટેક્નિકમાં એવી રીતે ફેરફાર કર્યો છે કે, 5G ટેકનોલોજીને અમુક જ સમયમાં લાગુ કરી શકશે. 5G મોડમાં એરટેલ તરફથી 10 ગણી વધુ સ્પીડ મળશે. જોકે સરકારના આદેશ બાદ જ 5G સ્પેક્ટ્રમ મળવા પર જ કંપની દેશના તમામ ગ્રાહકોને 5G સેવાનો લાભ પહોંચાડી શકશે.
ભારતી એરટેલના એમડી અને સીઈઓ ગોપાલ વિટ્ટલે જણાવ્યું કે,‘અમારા એન્જિનિયર્સે રાત-દિવસ મહેનત કરી એ દેખાડી દીધું છે કે, અમારી પાસે 5G ટેક્નિક આધારિત સેવા પૂરી પાડવાની ક્ષમતા છે. અમે હંમેશા ગ્રાહકોને સુવિધા આપવામા સૌથી આગળ રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે, ભારત 5G ટેક્નિકમાં ગ્લોબલ હબ બનીને આગળ વધશે.’