પુસ્તકની જેમ ખોલી શકાય અને બાજુ બાજુના બે સ્ક્રીન પર એક સાથે કામ કરી શકાય તેવા ફોલ્ડેબલ સ્માર્ટફોન ધીમી પણ મક્કમ ગતિએ ચર્ચામાં આવી રહ્યા છે ત્યારે તમને જાણીને કદાચ નવાઈ લાગશે ફોલ્ડેબલ ફોનમાં હજી એક ત્રીજી સ્ક્રીન પણ ઉમેરાશે આમ તો આવા ત્રણ સ્ક્રીનવાળા ફોન એક કન્સેપ્ટ તરીકે લાંબા સમયથી જ ચર્ચામાં છે. ફોલ્ડેબલ ફોનની કેટેગરીમાં આગળ રહેલી સેમસંગ કંપની ત્રણ સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. હમણાં કંપનીએ આ માટે પેટન્ટ ફાઇલ કરી હોવાની વાત છે. કંપનીના હાલના બે સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન ઝેડ ફોલ્ડ અને ઝેડ ફ્લિક નામે વેચાઈ રહ્યા છે.
ત્રણ સ્ક્રીનવાળા ફોન વાસ્તવમાં ઝેડ જેવો આકાર ધરાવતા હશે અને ત્રણેય સ્ક્રીન ખોલીને બિલકુલ ફ્લેટ મોટો સપાટ સ્ક્રીન મેળવી શકાશે. સેમસંગ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને વનપ્લસ કંપની પણ આ જ પ્રકારના ટ્રાઇલ ફોલ્ડ ફોન પર કામ કરી રહી છે. આવા ફોન ક્યારે વાસ્તવિકતા બનશે અને ખરેખર ક્યારે માર્કેટમાં આવશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.