નવી દિલ્હી : એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ આવક) કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે આ કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. 16 જાન્યુઆરીએ જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે ટેલિકોમ કંપનીઓને સરકારને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ચુકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટેલિકોમ કંપનીઓને સરકારને રૂ. 1.47 લાખ કરોડની બાકી રકમ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો અને આ તમામ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને એ જણાવવા કહ્યું છે કે આદેશનું પાલન કેમ કરવામાં આવ્યું નથી. કોર્ટે આ કંપનીઓને ઠપકો આપ્યો હતો અને 14 ફેબ્રુઆરીના અંત સુધીમાં તેમને રૂ. 1.47 લાખ કરોડ જમા કરવા જણાવ્યું હતું.
મોબાઇલ કંપનીઓ પાસે છે આ છેલો રસ્તો
સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ હવે મોબાઇલ કંપનીઓએ આ બાકી નીકળતા નાણાંની ચુકવણી કરવી જ પડશે. એરટેલે તાજેતરમાં વિદેશી બોન્ડ અને ક્યૂઆઈપી (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ) માંથી લગભગ 3 અબજ ડોલર એકત્ર કર્યા છે. આના માધ્યમથી એરટેલ તેના લેણા ચૂકવી શકે છે. પરંતુ વોડાફોન આઈડિયા સંબંધિત પરિસ્થિતિ હજી સ્પષ્ટ નથી. 31 ડિસેમ્બરે, વોડાફોન આઈડિયા પાસે 12530 કરોડની રોકડ હતી. જ્યારે કંપનીની કુલ જવાબદારી 1.03 લાખ કરોડ હતી. ડિસેમ્બરમાં, આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, જો સરકાર તરફથી કોઈ રાહત નહીં મળે તો તેમણે પોતાની દુકાન બંધ કરવી પડશે.
નોંધનીય છે કે, વોડાફોન અને આઈડિયા સતત ત્રણ વર્ષથી તેમની બેલેન્સ શીટ્સમાં નુકસાન બતાવી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીને 50,922 કરોડનું નુકસાન થયું હતું. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં આ સૌથી મોટું નુકસાન હતું.