નવી દિલ્હી : ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે હરિયાણામાં 3G નેટવર્ક બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે અહીં 4 જી નેટવર્ક સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રાહકોને વર્લ્ડ ક્લાસ હાઇ સ્પીડ નેટવર્ક મળી રહે.
એરટેલે કહ્યું છે કે, કંપની હરિયાણામાં 2 જી સેવા ચાલુ રાખશે જેથી ફીચર ફોન વપરાશકારોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ફિચર ફોનમાં હજી પણ 2 જી નો ઉપયોગ છે, તેથી કંપનીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. એરટેલે અગાઉ કોલકાતામાં 3 જી સેવા બંધ કરી દીધી હતી. હરિયાણા બીજું રાજ્ય છે જ્યાંથી એરટેલ 3 જી સેવાઓ બંધ કરી રહ્યું છે.
એરટેલના જણાવ્યા મુજબ, એરટેલના તમામ 3 જી ગ્રાહકોને સૂચનાઓ આપવામાં આવશે અને તેઓને તેમના હેન્ડસેટ / સિમ અપગ્રેડ કરવા વિનંતી કરવામાં આવશે જેથી તેઓ એરટેલ 4 જીનો ઉપયોગ કરી શકે. 3 જી હેન્ડસેટ્સ અપગ્રેડ ન કરનારા ગ્રાહકોને વોઇસ કોલિંગ મળતું રહેશે.
ભારતી એરટેલના અપર નોર્થ હબના સીઇઓ મનુ સૂદે કહ્યું, “હાલના સ્માર્ટફોન ઇકોસિસ્ટમ સ્પષ્ટપણે 4 જી ડિવાઇસમાં સ્થાનાંતરિત થઈ છે, કારણ કે ગ્રાહકોને હાઇ સ્પીડ 4 જી સર્વિસની જરૂર છે.” હરિયાણામાં, 3 જી સ્પેક્ટ્રમ (2100 મેગાહર્ટઝ) ને ફરીથી બદલીને, તેને 4 જી (એલટીઇ 2100) માં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે જે નેટવર્કની ક્ષમતામાં વધારો કરશે અને રાજ્યભરમાં એરટેલ 4 જી સેવાને વિસ્તૃત કરશે.”
કંપનીએ કહ્યું છે કે, 4 જી નેટવર્કને મજબૂત બનાવવા માટે 2100 મેગાહર્ટઝ બેન્ડ સ્પેક્ટ્રમ તૈનાત કરવામાં આવી છે. આને કારણે, કંપની હવે ટ્રાઇ બેન્ડ સ્પેક્ટ્રમ બેંક પર હાઇ સ્પીડ 4 જી પ્રદાન કરી રહી છે.