જો તમે Apple Watch ના ચાહક છો અને તેને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડું નિરાશ થવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે, એપલે યુએસમાં વોચ અલ્ટ્રા 2 અને વોચ 9 સીરીઝના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઘડિયાળો ટૂંક સમયમાં એમેઝોન અને ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી દૂર કરવામાં આવશે. મેડિકલ ટેક્નોલોજી ફર્મ માસિમો સાથેના પેટન્ટ વિવાદને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. વિવાદનું કારણ આ ઉપકરણોમાં દર્શાવવામાં આવેલી SpO2 બ્લડ ઓક્સિજન સેન્સર ટેકનોલોજી છે. માસિમોનો દાવો છે કે આ ટેક્નોલોજી તેની પેટન્ટનું ઉલ્લંઘન કરે છે.
60 દિવસની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે
ITCનો નિર્ણય ઓક્ટોબરમાં આવ્યો હતો, પરંતુ વ્હાઇટ હાઉસને તેના પર પુનર્વિચાર કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન એપલે તેના બંને મોડલનું વેચાણ ચાલુ રાખ્યું હતું. જો કે, વ્હાઇટ હાઉસે આઇટીસીના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને એપલને યુએસમાં આ મોડલ્સનું વેચાણ બંધ કરવાની ફરજ પડી હતી.
એપલ પગલાં લેશે
Appleએ કહ્યું છે કે જો ઈન્ટરનેશનલ ટ્રેડ કમિશન (ITC) તેનો નિર્ણય નહીં બદલે તો તે તેની સાથે વ્યવહાર કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે અને શક્ય તેટલી વહેલી તકે તેની સ્માર્ટવોચ મોડલ્સનું વેચાણ ફરી શરૂ કરશે.
આ સ્માર્ટવોચનું વેચાણ ચાલુ રહેશે
ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન (ITC)ના આદેશ અનુસાર, અમેરિકામાં માત્ર એપલ ઘડિયાળના વેચાણની મંજૂરી આપવામાં આવશે જેમાં બ્લડ ઓક્સિજન માપવાની સુવિધા નથી. આમાં Apple Watch SE પણ સામેલ છે.