હોન્ડા તેની લોકપ્રિય મિડ-સાઇઝ સિડેન કાર સિટીને નવી અવતારમાં લાવવાની તૈયારીમાં છે. લોન્ટિંગ પહેલાં જ હોન્ડા સિટીના અપડેટેડ મોડલનાં ડોક્યૂમેન્ટ્સ લીક થઈ ગયાં છે. તેનાથી BS6 માન્ય એન્જિનવાળી નવી હોન્ડા સિટીની ઘણી વિગતો સામે આવી છે. આ સાથે એ પણ સ્પષ્ટ પણ થઈ ગયું છે કે, આ કાર 4 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.
4 વેરિઅન્ટ્સમાં આવશે
લીક ડોક્યૂમેન્ટ અનુસાર, નવી હોન્ડા સિટીમાં BS-VI એમિશન નોર્મ્સવાળું 1.5 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. આ એન્જિન 6,600 rpm પર 118 bhp પાવર જનરેટ કરે છે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે નવી સિટી SV, V, VX અને ZX નામથી 4 વેરિઅન્ટ્સમાં આવશે.
ફીચર્સ
રિપોર્ટ અનુસાર, હોન્ડા સિટીના અપડેટેડ મોડલમાં LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ. 15 ઇંચનાં એલોય વ્હીલ્સ, રિમોટ લોકિંગ, ઇલેક્ટ્રિક આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર્સ, બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ઓડિયો સિસ્ટમ અને ક્રૂઝ કન્ટ્રોલ જેવાં ફીચર્સ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટથી જ મળશે.
મિડ વેરિઅન્ટ એટલે કે Vમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કી-લેસ એન્ટ્રી અને રીઅર વ્યૂ કેમેરા મળશે. VX વેરિઅન્ટમાં સનરૂફ, સ્ટીયરિંગ વ્હીલ સાથે ટેલિસ્કોપિક અડજસ્ટમેન્ટ, ઓટો ડિમિંગ ઇનસાઇડ રીઅર વ્યૂ મિરર્સ અને 16 ઇંચનાં એલોવ્યીલ્સ આપવામાં આવે એવી શક્યતા છે. ટોપ વેરિઅન્ટ ZXમાં LED હેડલાઇટ્સ, રેન સેન્સિંગ વાઇપર્સ, લેધર અપહોલ્સ્ટ્રી અને સાઇડ કર્ટન એરબેગ્સ મળી શકે છે.
કિંમત
વર્તમાન હોન્ડા સિટી મોડલની કિંમત 9.81-14.16 લાખ રૂપિયાની વચ્ચે છે. BS-6 માન્ય હોન્ડા સિટીની કિંમત વર્તામન મોડલથી થોડી વધારે હશે. માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ સિયાઝ અને હ્યુન્ડાઇ વર્ના સાથે થશે.