ઓનલાઇન ઠગાઇ કરતી ટોળકીનો અનેક લોકો ભોગ બની રહ્યા છે અને પોલીસ અને બેન્કો દ્વારા ફોન ઉપર કોઇને માહિતી આપવી નહીં તેવી વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં સરેરાશ દરરોજ બે થી ત્રણ વ્યક્તિ આવી ટોળકીનો શિકાર બની રહી છે.આવા જ એક કિસ્સામાં જીએસીએલ કંપનીના એમ.ડી. અને સિનિયર આઇએએસ પાસે ટોળકીએ રૃા.૯૪, ૯૯૯ની રકમ પડાવી લેતાં સાઇબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે.અકોટાની ઉર્મિ સોસાયટીમાં રહેતા જીએસીએલના એમ.ડી.પ્રેમકુમાર ગેરાએ ગઇ તા.૨૧-૮-૨૦૧૯ના રોજ સવારે નવેક વાગે બનેલા બનાવ અંગે આપેલી અરજીના સંદર્ભે સાઇબર સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
ફોન કરનારા પુરૂષને આપી વિગતો
પ્રેમકુમાર ગેરાએ કહ્યું છે કે,પેટીએમ વોલેટ ઉપર કેવાયસી કરી માહિતી માટે મેસેજ આવતાં ફોન કરનાર પુરૃષને વિગતો આપી હતી.આ વખતે તેણે મારા આઇફોન ઉપર એપલ વર્ઝનની ટીમ વ્યૂઅર ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડ કરાવી હતી.એપ ડાઉનલોડ કરતાં જ તેણે રન કરાવી લોગઆઉટ કરાવ્યું હતું.થોડીવાર બાદ ગઠિયાએ ફરીથી ફોન કરી પેટીએમ સેવિંગ એકાઉન્ટ પણ ખોલે છે..તેમ કહી લોગઇન કરાવી રૃા.૧૦નું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું.મારા ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરતાં જ મારા એકાઉન્ટમાંથી રૃા.૪૫ હજાર અને રૃા.૪૯,૯૯૯ ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા.જેથી મેં તુર્તજ કાર્ડ તેમજ પેટીએમ એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું. સાઇબર સેલે ઉપરોક્ત બનાવની ફરિયાદ અંગે અઢી મહિના પછી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એમ.ડી.એ સામેથી ફોન કરી KYCની માહિતી આપી
કેવાયસી(તમારા ગ્રાહકને જાણો) નહીં આપો તો તમારૃં પેટીએમ એકાઉન્ટ બંધ કરી દેવાશે,તમે કોઇ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો..તેવા વારંવાર મેસેજો આવતા હોવાથી એમ.ડી.પ્રેમકુમાર ગેરાએ જે નંબર ઉપરથી મેસેજ આવતા હતા તેનો સામે ચાલીને સંપર્ક કરી ફોન રિસિવ કરનાર પુરૃષને કેવાયસી માટે વિગતો આપી હતી.
ડેબિટ કે ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરશો તો જ ચાલશે
પેટીએમ નું સેવિંગ એકાઉન્ટ ખોલવાના નામે પ્રેમકુમાર સાથે મોબાઇલ ઉપર વાતચીત કરનાર ઠગે રૃા.૧૦નું ટ્રાન્ઝેક્શન કરવાથી એકાઉન્ટ એક્ટિવેટ થઇ જશે તેમ કહ્યું હતું. આ માટે ગઠિયાએ કહ્યું હતું કે,ઇન્ટરનેટથી પેમેન્ટ નહીં ચાલે.ડેબિટ કે ક્રડિટ કાર્ટથી જ પેમેન્ટ કરવાનું રહેશે.