8 ટનનું વજન ધરાવતી ચીનની વિશાળકાય સ્પેશ લેબ હવે પૃથ્વી તરફ આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લેબ રવિવારથી લઇને સોમવાર સુધીમાં પૃથ્વી પર ખાબકે તેવી ભીતિ છે. આ સ્પેશ લેબ કંટ્રોલ બહાર ચાલી ગઈ છે. જો કે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ સ્પેશ લેબ ભસ્મીભૂત થઈ જાય તેવી આશા ચીનના વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે.
અનિયંત્રીત થઇ ચુકેલી ચીનનું સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 અથવા હેવનલી પેલેસ હવે પૃથ્વી તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. પરંતુ પૃથ્વીવાસીઓ માટે ગભરાવવાની વાત નથી. કારણે આ સ્પેસ સ્ટેશનનો કાટમાળ કોઇની ઉપર નહીં પડે અને કોઇને તેનાથી નુકસાન પણ નહીં થાય. ચીનના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે સ્પેસ લેબનું ધરતી પર પાછા આવવું એક શાનદાર શો સમાન હશે.
ચાઇના મેન્ડ સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસ મુજબ આવા સ્પેસ ક્રાફ્ટ તે પ્રકારે ધરતી પર નથી પડતા જે રીતે ફિલ્મોમાં બતાવવામાં આવે છે અને ઘણુ નુકસાન થાય છે. પરંતુ આ પ્રકારના સ્પેસક્રાફ્ટ જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે એક ઉલ્કાપાત થાય છે અને આ નજારો ખુબ જ સુંદર હોય છે.
તિયાંગોંગ-1 ચીનનું પ્રથમ સ્પેસ લેબ હતી. આ સ્પેસ લેબને 2011માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેને સ્વર્ગમાં રાજમહલનું નામ આપવામાં આવ્યું હતુ. તિયાંગોંગ-1નો સંપર્ક 2016માં જ કપાઇ ગયો હતો. તે પોતાના જીવનના અંતિમ ચરણમાં છે. ચીન હવે સ્પેસ લેબ પર નિયંત્રણ ગુમાવી ચુક્યું છે. ચીની વૈજ્ઞાનિકો મુજબ ધરતી પર પડતા સમયે સ્પેસ લેબના મોટા ભાગનો હિસ્સો સળગી જશે. તેના કારણે ન તો કોઇ વિમાનની ગતિવિધિ પ્રભાવિત થશે અને કોઇને ઇજા પણ નહીં થાય. તિયાંગોંગ-1ની લોન્ચિંગ માનવરહિત થઇ હતી. જેથી તેની સાથે અન્ય યાન જોડાઇ શકે તેવી રીતે ડિઝાઇન કરાઇ હતી. આ લેબ આશરે 216.2 કિલોમીટરની સરેરાશ ઉંચાઇ પર અવકાશની કક્ષામાં સ્થાપિત હતી. તિયાંગોગ-1એ શેનઝોઉ-8, શેનઝોઉ-9, શેનઝોઉ-10 અવકાશ યાનની સાથે સફળતાપૂર્વક કામ કર્યુ હતુ અને ઘણા પ્રયોગ કર્યા હતા.