AI technology પાક નુકસાનીનો અંદાજ AI ટેકનોલોજીથી મળશે, ગુજરાતના નવા અંદાજ પત્રમાં ખાસ જોગવાઇ આવશે
AI technology ગુજરાત સરકાર દ્વારા આગામી બજેટમાં કૃષિ ક્ષેત્રે એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વિવિધ જોગવાઇઓ કરાશે. જેમાં પાક નુકસાની માટે ત્રણથી ચાર વર્ષનો ડેટા એકત્ર કરીને પાક નુકસાનીનો અંદાજ કાઢવા માટે એઆઇનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે.
આ ઉપરાંત ઉપજ અંદાજ અને વાવેતર વિસ્તારનો તાગ મેળવવા માટે પણ એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે. આ માટે આગામી બજેટમાં કૃષિ વિભાગમાં એઆઇ ટેકનોલોજીના ઉપયોગ માટેની નાણાકીય જોગવાઇ કરાશે. કૃષિ વિભાગ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કૃષિ ભવનમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ટૂંકસમયમાં કરાશે.આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રમાં અંત્યાધુનિક ટેકનોલોજી વાપરવાનો અમલ કરાશે.
કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કૃષિને લગતા વિવિધ ડેટા સરકારી કર્મચારી મારફત સર્વે કરીને મેળવવામાં આવે છે. પાક અને ક્રોપ ડેમેજ જાણવા માટે પણ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વે કરીને મેળવામાં આવે છે. સરકારી અધિકારી દરેક સર્વે નંબર પર જઇને પાક નુકસાની સહિતનો ડેટા મેળવે છે. ઉપરાંત એગ્રીટેક પોર્ટલ મારફત પણ કરવામાં આવે છે,જેમાં વીસીઇ ખેતર પર જઇને પાકનો ફોટો અપલોડ કરે છે અને તેના આધારે પાણીપત્રક બનાવવામાં આવે છે.
આ ઉપરાંત રીમોટ સેન્સીંગના આધારે સેટેલાઇટ પિક્ચર લેવાય છે અને સ્થળ પર શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવાય છે.આવી જ રીતે પાક નુકસાનીમાં પણ વીસીઇ સ્થળ પર જઇને પીકચર અપલોડ કરે છે અને નુકસાનીનો અંદાજ મેળવાય છે. હવે આ પદ્ધતિ સાથે એઆઇનો ઉપયોગ કરવામાં આવશે.