ફાસ્ટેગ ખુદ એક વોલેટ છે તેને બેંક અકાઉન્ટ સાથે લિંકઅપ કરાવવાની કોઇ જરૂર નથી. એક સ્ટિકર પાંચ વર્ષ સુધી ચાલશે. ફાસ્ટેગની મુદત વધતા સ્ટિકર લગાવનારા વાહનચાલકોની સંખ્યા 30 ટકા વધી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જણાવ્યા પ્રમાણે, અત્યારે રાજકોટમાં 52 ટકા વાહનચાલકોએ ફાસ્ટેગ પોતાના વાહનમાં લગાવ્યા છે.
બેંકોમાં અને ફાસ્ટેગની વેબસાઇટ http://www.fastag.org/ પર ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે. બેંક અધિકારીઓના જણાવ્યા મુજબ, બેંકને ફાસ્ટેગની સપ્લાય ઝડપથી મળતી નથી. ઓર્ડર લખાવ્યા બાદ ત્રણ ચાર દિવસે ફાસ્ટેગ મળે છે. રાજકોટની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)દ્વારા અંદાજે 500 થી વધુ ફાસ્ટેગ એલોટમેન્ટ થયા છે. ઝડપથી ફાસ્ટેગ મળી રહે તે માટે લોકો ઓનલાઈન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ચાર્જ કરતા વધુ પૈસા વિડ્રોલ થઈ ગયા હોય કે અન્ય કોઈ ફરિયાદ હશે તો તેની સમસ્યા ઓનલાઈન જ કરવાની રહેશે. બેંક અધિકારીના જણાવ્યા પ્રમાણે, જો કે હજુ ફાસ્ટેગને લઈને કોઈ ફરિયાદ સામે નથી આવી.
આ ડોક્યુમેન્ટ વિના ફાસ્ટેગ મળશે નહીં
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) બુક,વ્હિકલ નંબર આવી જાય તેવો એક ફોટો, અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ, આધારકાર્ડમાં એડ્રેસ પ્રૂફ ન હોય તો પાનકાર્ડ અને જન્મતારીખ ન નોંધાયેલી હોય તો તેનો પુરાવો, ડ્રાઈવિંગ લાયસન્સ.
ફાસ્ટેગ વિનાના વાહનો આડેધડ ઘૂસ્યાં
કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યો હતો, પરંતુ એક મહિનાની મુદ્દત વધારી હતી. સમગ્ર રાજ્યમાં બુધવારથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટેક્સપાત્ર વાહનોમાં ફાસ્ટેગના નિયમ લાગુ કરી દેવામાં આવ્યા હોવાથી સવારથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. રાજકોટથી જૂનાગઢ-સોમનાથ જતા રસ્તામાં ભરૂડી અને પીઠડિયા ટોલ પ્લાઝા પર બુધવારે સવારથી ફાસ્ટેગ ન લગાવ્યું હોય તેવા વાહનચાલકોએ આડેધડ લાઈન કરી દેતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો જેના કારણે જે વાહનમાં ફાસ્ટેગ લગાવેલ હોય તે વાહનચાલકોએ પણ કલાકો સુધી રાહ જોવી પડી હતી. બંને ટોલ પ્લાઝા પર 1 લાઈન કેશમાં ટેક્સ ભરવાની અને બાકીની 5 લાઈન ફાસ્ટેગની કરી દેવામાં આવી અને જે વાહનોમાં ફાસ્ટેગનું સ્ટિકર લગાવેલું ન હતું તે વાહનો પણ ફાસ્ટેગની લાઈનમાં ઘૂસી જતા ટ્રાફિક જામ થયો હતો. રોકડમાં ટોલટેક્સ સ્વીકારવાની એક જ લાઈન રાખતા વાહનચાલકો હેરાન થયા હતા. ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ નિયત કરતા બમણો ટેક્સ ચૂકવવો પડ્યો હતો.