નવી દિલ્હી : કોરોનાથી આર્થિક સંકટ હોવા છતાં રિલાયન્સ ગ્રુપ માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મમાં ફેસબુક બાદ હવે યુએસ સ્થિત ઇક્વિટી કંપની સિલ્વર લેકએ 5,655.75 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ જિયો પ્લેટફોર્મના શેરની કિંમત ફેસબુક કરતા 12.5% વધારે મૂકી છે.
શું કહ્યું રિલાયન્સે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં કહ્યું છે કે, વિશ્વના અને ખાસ કરીને ભારતમાં કોવિડ -19 રોગચાળાને કારણે ઉભી થયેલી ગંભીર આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખીને વિશ્વના સૌથી નામાંકિત ટેક રોકાણકારોમાંના એક, સિલ્વર લેકનું વિશેષ મહત્વ છે.
નોંધનીય છે કે જિયો (Jio Platforms) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તેવી જ રીતે, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ, કે જે લગભગ 38.8 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે, આ જિયો પ્લેટફોર્મની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
દિગ્ગ્જ રોકાણકારોનું રોકાણ
અમેરિકાના સિલ્વર લેક પાસે મોટા પાયે તકનીકી રોકાણોની દ્રષ્ટિએ આશરે 40 અબજ ડોલરની મૂડી છે. તેણે એરબીએનબી, અલીબાબા, એન્ટ એન્ટિ ફાઇનાન્સિયલ, ડેલ ટેક્નોલોજી, ટ્વિટર જેવી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.
ફેસબુકે કરી હતી ડીલ
નોંધનીય છે કે, આ પહેલા 22 એપ્રિલના રોજ વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ભારતની રિલાયન્સ જિયો વચ્ચે મોટી ડીલ થઇ હતી. આ ડીલ અંતર્ગત ફેસબુકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 43 હજાર કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી છે. ડીલ બાદ રિલાયન્સ જિયોમાં ફેસબુકનો હિસ્સો આશરે 10 ટકા હશે. આ સાથે ફેસબુક રિલાયન્સ જિયોમાં પણ સૌથી મોટો શેરહોલ્ડર બનશે.
રિલાયન્સ જિયોમાં 9.99 ટકા હિસ્સો ફેસબુકે ખરીદ્યો છે. આ માટે ફેસબુક 5.7 અબજ ડોલર એટલે કે 43, 574 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે.